ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીઓ વચ્ચે યાદવાસ્થળી, કરાવી રહ્યાં છે એકબીજાની જાસૂસી
આ પહેલાં પણ વિવાદો બહાર આવ્યા છે. જિલ્લાના પ્રભારની ફાળવણીમાં પણ મંત્રીઓમાં કચવાટ ફેલાયો હતો. આ સિવાય અગાઉ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લા ફાળવવામાં આવ્યા તેને લઇને પણ કચવાટ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં છેક સંગઠન સુધી ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં તેમાં કોઈ સુધારો ન થતાં અમુક મંત્રીઓ નારાજ થયા છે.
નવી દિલ્હીઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીઓ એકબીજાના કામની જાસૂસી કરાવી રહ્યા હોવાની વાત બહાર આવી છે. સરકાર રચાયાને હજુ બે મહિનાનો સમય થયો છે ત્યાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચે યાદવાસ્થળી શરૂ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે રાજ્યકક્ષાના મંત્રીને જાણ કર્યા વિના કેબિનેટ કક્ષાએ નિર્ણય લેવાઈ જાય છે. મીટિંગમાં પણ રાજ્યકક્ષાના મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળે છે. આ સિવાય મંત્રીઓ સતત બીજાની લીટી નાની કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. આગામી સમયમાં સરકારમાં મોટા ગજગ્રાહો ઊભા કરી શકે છે. આમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બધુ સમૂસૂતરું ચાલી રહ્યું નથી એવી ચર્ચાઓ પણ છે.
આ પહેલાં પણ વિવાદો બહાર આવ્યા છે. જિલ્લાના પ્રભારની ફાળવણીમાં પણ મંત્રીઓમાં કચવાટ ફેલાયો હતો. આ સિવાય અગાઉ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લા ફાળવવામાં આવ્યા તેને લઇને પણ કચવાટ જોવા મળ્યો હતો. આ કિસ્સામાં છેક સંગઠન સુધી ફરિયાદો કરવામાં આવી હતી. આમ છતાં તેમાં કોઈ સુધારો ન થતાં અમુક મંત્રીઓ નારાજ થયા છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન પણ અમુક રાજ્ય કક્ષાના મંત્રીઓ જૂનિયર છે અથવા તો પહેલી વખત જ મંત્રી બન્યા હોવાથી તેમને સમજ પડતી નથી તેવી બાબત ઠસાવવાનો સીનિયર મંત્રીઓ સતત પ્રયાસ કરી રહ્યાં છે. તેમના સાથી મંત્રીઓની કામગીરીની જાસૂસી કરાવી રહ્યા છે. મંત્રીઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સતત ઊભું થઈ રહ્યું છે. જોકે, હજુ સુધી મંત્રીઓએ મુખ્યમંત્રી સુધી આ મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું નથી.
સામાન્ય રીતે કોઈ પણ નિર્ણય આખરી કરતા પહેલા તે બાબતમાં રાજ્યકક્ષાના મંત્રીનું સૂચન લેવાય છે. જો તેઓ કોઈ સુધારો સૂચવે તો યોગ્ય પ્રક્રિયા બાદ તેમનો અમલ પણ કરવામાં આવે છે, પણ ગુજરાતમાં રાજ્યકક્ષાના મંત્રીઓની અવગણના થઈ રહી હોવાની ચર્ચાઓ છે. કેટલાક મંત્રીઓ મંત્રીઓ આ બાબતે નારાજ છે. સરકારમાં 16 મંત્રીઓ હોવા છતાં એકબીજા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સરકાર આ મામલે વહેલી કાર્યવાહી નહી કરે તો એકબીજાના ટાંટિયાખેંચમાં સરકારને નુક્સાન જશે. ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ વચ્ચેનો ગજગ્રાહ દૂર કરી દેવાની જરૂર છે નહીં તો સરકારને પણ નુક્સાન જશે.