ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સતત વિકાસની દિશામાં વાયુવેગે આગળ વધી રહ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાં ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ખાસ કરીને પરંપરાગત વ્યવસાયની વાત કરીએ તો ખેતીવાડી હોય, પશુપાલન હોય, ડેરી ઉદ્યોગો હોય કે પક્ષી મત્સ્ય ઉદ્યોગ દરેક ક્ષેત્રે સારી કમાણી કરતું થયું છે ગુજરાત. એવામાં ગુજરાત સરકારના એક નિર્ણયથી રોજગારની વધુ સંભાવનાઓ ઉભી થઈ છે. ગુજરાતની હોટલોમાં હવે તમને જોવા મળશે ગોવા જેવી મચ્છી, જિંગા અને કેકડા! દરિયામાં ખેતી કરવા રીતસર પડાપડી થશે. એના માટે પણ ભવિષ્યમાં લાયસન્સ પ્રક્રિયા રાખવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, “પ્રમોશન ઓફ સસ્ટેનેઈબલ ફિશરીઝ એન્ડ લાઈવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રીફ” પ્રોજેક્ટ હેઠળ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાની પસંદગી કરાઈ. સ્વભાવિક છેકે, દરિયાઈ ઉદ્યોગ ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગને વેગ મળવાથી ગુજરાતની નોનવેજ રાખતી હોટલોમાં હવે ગોવા જેવી માછલીઓ, જિંગા અને કેકડા જોવા મળશે. માસાંહાર ખાતા લોકોને સ્વાદનો બેટર ચટકો મળશે. અને ઉદ્યોગને વેગ મળશે.


ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. જ્યાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે. છેલ્લા બે દશકામાં ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ છેલ્લા ૫ વર્ષ દરમિયાન દેશ સહિત ગુજરાતના મત્સ્ય ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો થાય તે માટે દરિયાઈ જીવસૃષ્ટિને આરક્ષિત કરી સંવર્ધન કરવું પણ એટલું જ અગત્યનું છે. જે માટે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછલીઓની જાત અને સંખ્યામાં વધારો કરવા માટે કુલ ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે.


આ અંગે માહિતી આપતા મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે ભારત સરકારની “પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના” હેઠળ આર્ટિફિશિયલ રીફની સ્થાપના માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતમાં અલગ-અલગ ૨૫ જગ્યાઓ ખાતે આર્ટિફિશિયલ રીફની સ્થાપના કરવામાં આવશે. દરિયાઈ જીવસૃષ્ટિના કુદરતી નિવાસસ્થાન (રીફ) જેવા જ આર્ટિફિશિયલ રીફનો ઉપયોગ દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ, કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડીંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે થાય છે. જે નાની માછલીઓના વિકાસ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.


મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, “પ્રમોશન ઓફ સસ્ટેનેઈબલ ફિશરીઝ એન્ડ લાઈવલીહુડ થ્રુ આર્ટિફિશિયલ રીફ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છને મળી કુલ સાત જિલ્લાના દરિયાકાંઠાથી આશરે ૩ થી ૭ નોટીકલ માઈલ દરિયાઈ વિસ્તારમાં ૨૫ જેટલી આર્ટિફિશિયલ રીફ પ્રસ્થાપિત કરવામાં આવશે, જેનો રાજ્યના નાના માછીમારોને લાભ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા સૂચિત કરાયેલા સ્પેસિફિકેશન મુજબ એક રીફમાં ૨૫૦ મોડ્યુલનો સમાવેશ થશે. જેમાં એક મોડ્યુલની અંદાજીત કિંમત રૂ. ૧૨,૪૦૦ અને એક રીફની અંદાજિત કિંમત રૂ. ૩૧ લાખ નક્કી કરવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યમાં કુલ રૂ. ૭૭૫ લાખના ખર્ચે ૨૫ આર્ટિફિશિયલ રીફની સ્થાપના થશે. જેમાં ૬૦ ટકા ફાળો કેન્દ્ર સરકાર અને બાકીનો ૪૦ ટકા ફાળો ગુજરાત સરકારનો રહેશે.


તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૫-૦૬માં ગુજરાતનું મત્સ્ય ઉત્પાદન ૭.૩૩ લાખ મે.ટન હતું, જે વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૮.૭૩ લાખ મે.ટન થયું હતું. સાથે જ ગુજરાતની મત્સ્ય નિકાસ લગભગ બમણી અને ગુજરાતનું વિદેશી હુંડીયામણ વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં આશરે પાંચ ગણું વધ્યું છે. આજે દેશના કુલ મત્સ્ય નિકાસના ગુજરાતનો હિસ્સો ૧૭ ટકાથી વધુ છે. આર્ટિફિશિયલ રીફની સ્થાપનાથી આગામી સમયમાં ગુજરાતના મત્સ્ય ઉત્પાદન અને દેશના મત્સ્ય નિકાસમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે હશે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.