ગેરકાયદે બાંધકામો લીગલ કરવાની છેલ્લી તક, સામાન્ય ફીમાં `પાર્ટીપ્લોટ` જેટલું મોટું બની જશે ઘર!
![ગેરકાયદે બાંધકામો લીગલ કરવાની છેલ્લી તક, સામાન્ય ફીમાં 'પાર્ટીપ્લોટ' જેટલું મોટું બની જશે ઘર! ગેરકાયદે બાંધકામો લીગલ કરવાની છેલ્લી તક, સામાન્ય ફીમાં 'પાર્ટીપ્લોટ' જેટલું મોટું બની જશે ઘર!](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/12/16/514609-cmnirnayaa.jpg?itok=_Yg788Gz)
શું તમે પણ ગેરકાયદે જગ્યાએ મકાન લઈને ફસાઈ ગયા છો? જમીનની લોન ચાલે છે અને બેંકો કરી રહી છે હેરાન,,,તો ગુજરાત સરકાર ચૂંટણી પહેલાં આપી રહી છે સૌથી મોટી છુટ, જાણો વિગતવાર...
Impact Fee: ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત બાંધકામોને કાયદેસર કરવાની પણ ગુજરાત સરકાર તક આપી રહી છે. ગુજરાતમાં ઈમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર આવ્યા છે. સરકારે ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી છે. હવે ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત છ મહિના વધુ લંબાવવામાં આવી છે. આવતીકાલે પૂર્ણ થઈ રહેલી મુદતને જૂન 2024 સુધી લંબાવવામાં આવી છે.
આ ત્રીજી વાર ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત સરકારે લંબાવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ અમલમાં મુક્યો હતો. જેમાં ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવી શકાતું હતું. જો કે, નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફરી એકવાર તેની મુદત વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં દોઢ લાખ અરજીઓ છે.
ગેરકાયદે બનેલી સોસાયટીઓ થશે કાયદેસરઃ
શહેરોમાં ગેરકાયદેસર બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું હોય છે પરંતુ ગેરકાયદેસર બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં રહેતા હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને આ અધિનિયમ લાવવા નક્કી કર્યું હતું. જેમાં એક કરતાં વધુ માલિક અથવા કબજો ધરાવનાર કિસ્સામાં તમામ માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિએ સંયુક્ત રીતે અરજી કરવાની હોય છે. એક કરતાં વધુ માલિકી ધરાવતા કિસ્સામાં સત્તા અધિકારી યોગ્ય લાગે તેની તપાસ કર્યા બાદ ખાતરી આપે ત્યારબાદ જ અરજદારોની અરજી કરવા પરવાનગી આપી શકાશે.
ગુજરાતમાં ગેરકાયદે અને પરવાનગી વગરના બાંધકામોનો રાફડો ફાટ્યા બાદ સરકારે ઓક્ટોબર-22માં કાયદામાં સુધારો કરી ઇમ્પેક્ટ ફી સ્વરૂપે દંડનીય રકમની વસુલાત કરી ગેરકાયદે બાંધકામોને કાયદેસરતા આપવા માટે નવો કાયદો બનાવ્યો હતો. બે દાયકામાં ત્રીજી વખત સવા વર્ષની મુદત પૂર્ણ થઈ ગયા બાદ 17 ડિસેમ્બરથી 6 મહિનાનું વધુ એક્સ્ટેન્શન જાહેર કર્યું છે જેને પગલે ગેરકાયદેસર બાંધકામ કરનાર વધુ મિલ્કતધારકોને લાભ મળી રહેનાર હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ આ બીલ 2001, 2011, 2013 અને હવે 2013માં લાવવામાં આવ્યુ છે. સન 2023નું વિધેયક ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિક કરવા બાબત સુધારા બીલ બહુમતીથી ગૃહમાં પસાર થયું હતું.
બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
-50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
-200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે.
-300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર
ઇમ્પેક્ટ ફી એટલે શું?
ગુજરાતના મોટાભાગના શહેરમાં જે ઠેકાણે રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું થયું હોય અને તેમાં નિયમ બહારનું કોઇ બાંધકામ હોય અને જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો તેવા કિસ્સામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરી આપી શકાય છે. આ સ્કીમમાં મિલકતના જે-તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે અને આ બાંધકામ નિયમિત છે તેવું સર્ટિફિકેટ લેવું પડે છે. આ ફી નું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. સત્તાતંત્રના ચોક્કસ વેરીફિકેશન પછી ફી ભરવાની પરવાનગી આપવામાં આવે છે. રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઇમ્પેક્ટ ફીના દરોમાં ઘણો મોટો તફાવત હોય છે.