અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની દયનીય સ્થિતિ બની છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાયમી શિક્ષકોની મોટી ઘટ સાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારી અંગ્રેજી અને હિન્દી મીડિયમની સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે. અમદાવાદની અંગ્રેજી સરકારી શાળાઓમાં 85 ટકા જ્યારે હિન્દી સરકારી શાળાઓમાં 45 ટકા કાયમી શિક્ષકોની ઘટ છે. સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5નાં વર્ગો કાયમી શિક્ષકોની ઘટ સાથે ચલાવવામાં તંત્ર તાલ મીલાવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારું, ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો શ્રેય લેતું તંત્ર કાયમી શિક્ષકોની મોટી ઘટ હોવા છતાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાની વાત કરી શ્રેય લૂંટી રહ્યું છે. AMC સંચાલિત શાળાના 20 ઓકટોબરે ખાલી જગ્યાઓનાં તૈયાર કરાયેલા ડેટા મુજબ ધોરણ 1 થી 5 ની અંગ્રેજી શાળાઓમાં 216 કાયમી શિક્ષકો જ્યારે ધોરણ 1 થી 5 ની હિન્દી શાળાઓમાં 212 કાયમી શિક્ષકોની ઘટ છે. સ્માર્ટ સ્કૂલ, આધુનિક સુવિધાઓની વાતો કરતા સરકારી શાળાના તંત્રની દયનીય વાસ્તવિકતા છે. સરકારી અંગ્રેજી શાળાઓનું ભવિષ્ય કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકોનાં ભરોસે મૂકી દેવાયું છે.


AMC સંચાલિત અમદાવાદની સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં કાયમી શિક્ષકોની ઘટ અંગે માહિતી:


  • અમદાવાદ શહેરમાં ચાલતી 54 સરકારી અંગ્રેજી શાળાઓમાં 255 શિક્ષકોનાં મહેકમ સામે માત્ર 39 કાયમી શિક્ષકો જ છે ઉપલબ્ધ

  • AMC સંચાલિત શાળાના 20 ઓકટોબરે ખાલી જગ્યાઓનાં તૈયાર કરાયેલા ડેટા મુજબ ધોરણ 1 થી 5 ની અંગ્રેજી શાળાઓમાં 216 કાયમી શિક્ષકોની ઘટ

  • 85 ટકા શિક્ષકોની ઘટ સાથે સરકારી અંગ્રેજી શાળાઓમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ

  • 54 અંગ્રેજી સરકારી શાળાઓમાંથી 36 શાળાઓમાં એકપણ કાયમી શિક્ષક નથી

  • અમદાવાદની અંગ્રેજી સરકારી શાળાઓમાં ભણતા 8,088 બાળકો વચ્ચે માત્ર 39 કાયમી શિક્ષકો

  • એક કાયમી શિક્ષક પાસે અંગ્રેજી સરકારી શાળામાં અભ્યાસ કરતા 207 બાળકોની જવાબદારી


 


AMC સંચાલિત અમદાવાદની સરકારી હિન્દી માધ્યમની શાળામાં કાયમી શિક્ષકોની ઘટ અંગે માહિતી:


  • અમદાવાદ શહેરમાં ચાલતી 54 સરકારી હિન્દી શાળાઓમાં 459 શિક્ષકોનાં મહેકમ સામે માત્ર 247 કાયમી શિક્ષકો જ છે ઉપલબ્ધ

  • AMC સંચાલિત શાળાના 20 ઓકટોબરે ખાલી જગ્યાઓનાં તૈયાર કરાયેલા ડેટા મુજબ ધોરણ 1 થી 5 ની હિન્દી શાળાઓમાં 212 કાયમી શિક્ષકોની ઘટ

  • 45 ટકા શિક્ષકોની ઘટ સાથે સરકારી હિન્દી શાળાઓમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ

  • 54 હિન્દી સરકારી શાળાઓમાંથી 4 શાળાઓમાં એકપણ કાયમી શિક્ષક નથી

  • અમદાવાદની હિન્દી સરકારી શાળાઓમાં ભણતા 16,964 બાળકો વચ્ચે માત્ર 247 કાયમી શિક્ષકો

  • એક કાયમી શિક્ષક પાસે હિન્દી સરકારી શાળામાં અભ્યાસ કરતા 69 બાળકોની જવાબદારી