અતુલ તિવારી, અમદાવાદઃ શાળા સંચાલકોએ હવે ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે એવી ચિમકી પણ ઉચ્ચારી છેકે, અમારા પડતર પ્રશ્નોનું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે ન્યાયાલયમાં જઈશું. બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી મામલે શાળા સંચાલક મંડળ હાઇકોર્ટના શરણે જશે. મહામંડળ દ્વારા સંચાલકો પાસેથી મંજૂરી પત્ર મંગાવવામાં આવ્યા છે. રાજ્યની શાળાઓમાં 800 ક્લર્ક, 900 પટાવાળા, 3600 લાઈબ્રેરીયન, 3200 કમ્પ્યુટર શિક્ષક તેમજ ઉદ્યોગના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સમગ્ર મામલે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, સરકારને વારંવાર લેખિતમાં રજુઆત કરી છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. હવે આખરીવાર સરકારને વિનંતી કરીશું, જો ઉકેલ નહીં આવે તો હાઇકોર્ટના શરણે જઈશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, રાજ્યમાં 2000 આચાર્યો અને 10 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2009 થી જાતે જ ભરતીઓ શરૂ કરી. છેલ્લે વર્ષ 2017માં આચાર્યોની ભરતી થયા બાદ જગ્યાઓ ભરવામાં આવી નથી. સરકારે આચાર્યોની ભરતી માટે HMATનું પરિણામ આપીને મેરીટ બનાવ્યું છે, પણ કાર્યવાહી અટકી પડી છે.


ઉલ્લેખનીય છેકે, રાજ્યની 2000 ગ્રાન્ટેડ શાળાઓ પાસે નેતૃત્વ નથી, જેની અસર શાળાઓના પરિણામ પર થાય. જે શાળાના બોર્ડના પરિણામ નીચા છે, તેનો અભ્યાસ કરીએ એટલે ખબર પડે છે કે ત્યાં આચાર્ય નથી હોતા. બોર્ડનું પરિણામ નીચું આવે એટલે ગ્રાન્ટ પણ કપાય છે. સરકારે આચાર્યોની ભરતી તાત્કાલિક કરવી ખૂબ જરૂરી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 10,000 જેટલી જગ્યાઓ ખાલી છે. પ્રવાસી શિક્ષકના નામે શિક્ષણ વિભાગે થિંગડું મારી આપ્યું છે, આવા શિક્ષકોની પરિણામલક્ષી કોઈ જવાબદારી રહેતી નથી. કાયમી શિક્ષક હોય તો એ વિદ્યાર્થી અને કામને વફાદાર રહે છે, જેનો લાભ બાળકોને અને શાળાને મળે છે. ગ્રાન્ટેડ શાળાઓની ખાલી જગ્યાઓ ભરાય તો પરિણામ સુધરે અને બાળકોને સારું શિક્ષણ મળી શકશે.