ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં એવી અસંખ્ય જગ્યાઓ છે જેનું દેશ અને દુનિયાભરમાં વિશેષ મહત્ત્વ છે. જોકે, ઘણીવાર ઘરકી મુર્ગી દાલ બરાબર કહેવતને અનુરૂપ આપણે તેને એટલે મહત્ત્વ નથી આપતા. પરંતુ હવે સોશિયલ મીડિયાના જમાનામાં આવા અનોખા સ્થળોને પણ પ્રોપર પ્લેટફોર્મ મળી રહ્યું છે. ત્યારે આ આર્ટીકલમાં વાત કરીશું આવી જ એક જગ્યાની. જે કહેવાતી હતી ડાયનોસોરનું બીજું ઘર. આ જગ્યા વિદેશમાં નથી અહીં ગુજરાતની જ વાત થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીને ચોંકી ગયાને પણ આ હકીકત છે. કરોડો વર્ષ પહેલા ગુજરાતની સરહદે આવેલો કચ્છ જિલ્લો ડાયનોસોરની ભૂમિ તરીકે ઓળખાતો હતો. કહેવાય છેકે, તે સમયે અહીં ડાયનોસોરની પ્રજાતિ મોટી માત્રામાં હતી. તે સમયે હજારોની સંખ્યામાં ડાયનોસોર કચ્છમાં રહેતાં હોવાના અનેક પુરાવાઓ સંશોધનકર્તાઓને મળ્યા છે. થોડા વર્ષો અગાઉ જ કચ્છ ખાતે વિદ્યાર્થીઓ ભુજ નજીક આવેલા લોડાઇ ગામના કાંસ હીલ પર્વત પર ડાયનોસોરના રહેઠાણ અંગે સંશોધન કરતા હતા. તે સમયે તેમને ડાયાનાસોરના પુષ્ઠ ભાગના અવશેષ મળી આવ્યા હતા.


ગુજરાતમાં ક્યા-ક્યા મળી ચુક્યા છે ડાયનોસોર:
ગુજરાતના ખેડા, પંચમહાલ, કચ્છ અને સાબરકાંઠામાં ડાયનાસોરની હયાતીના પુરાવા મળ્યા છે. રાજાસૌરસ નર્મદેન્સીસ નામના ડાયનાસોરની પ્રજાતિ અહીંયાથી જ મળી હતી. આજે રૈયોલીના ઢોળાવ ઉપર ઈંડાં અને જીવાશ્મિઓ મોજૂદ છે. ખેડાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામથી રોડ ઉપર આગળ વધો એટલે એક ઢોળાવ આવે છે. તેની પાસેના પથ્થરોને નિરખો ત્યારે ઘડીભર માટે આશ્ચર્યમાં પડી જવાય છે. 


ગુજરાતમાં અહીં દેખાય છે અનોખા પથ્થરોઃ
આ પથ્થર સામાન્ય ખામ કે ડુંગરના પથ્થરથી અલગ છે. રાખોડી અને રાતાશ રંગના મોટા પથ્થર ઉપર ઈંડા આકારની કોઈ વસ્તુ થીજી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં પથ્થરમાં હાડકાના ટુકડા જેવો સખત પદાર્થ પણ જોઈ શખાય છે. અંદાજે ૭૦ એકરના એરિયામાં તમે જયાં પણ જાઓ ત્યાં પથ્થરની અંદર આ બંને વસ્તુ સામાન્ય છે. તે જગ્યા એક સામાન્ય માણસ માટે ડુંગર છે, પરંતુ વિશ્વભરના પેલીઓન્ટોલોજિસ્ટો માટે તે સંશોધનનું કેન્દ્ર છે. આ જગ્યા છે ગુજરાતમાં આવેલું ડાયનાસોર ઘરઃ રૈયોલી. આ સાઈટ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ડાયનાસોર સાઈટ છે.  


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)