વિકસતા ગુજરાતમાં કુપોષણથી 5 બાળકોના મોત, ધારાસભ્યએ કહ્યું મા-બાપ ધ્યાન ન આપે તો અમે શું કરીએ
કચ્છથી ગુજરાત માટે શરમજનક સમાચાર, છેલ્લાં એક સપ્તાહમાં 0 થી 15 માસ સુધીના 5 બાળકોના મોત. ગામમાં કુપોષણના કેસ વધતા ભોજાય સર્વોદય ટ્રસ્ટે આ ગામમાં તપાસ શિબિર યોજી હતી.જેમાં ગામના 322 જેટલા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી 39 જેટલા બાળકો માટે એક ગામમાં કુપોષિત હોવાનું સામે આવ્યું હતું.
રાજેન્દ્ર ઠક્કર, અમદાવાદઃ કચ્છના નખત્રાણા તાલુકાના લુડબાય ગામ ખાતે ગત અઠવાડિયે 0થી 15 માસના 5 જેટલા બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા હતા. આ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ મેડિકલ સ્ટાફ હાજર રહેતો નથી જે અંગે ગામના સરપંચ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.ત્યારે ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગામમાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગામમાં 39 જેટલા કુપોષિત સ્થિતિમાં જોવા મળ્યા હતા.
કુપોષણથી 5 બાળકોના મોત-
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8મી માર્ચ 2018 ના રોજ પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લાના બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કુપોષણમુક્ત સ્વસ્થ અને સશક્ત બનાવવા તેમજ પોષણ માસ દરમિયાન દરેક ઘર સુધી પોષણનો સંદેશો પહોંચાડવા પોષણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.પરંતુ કચ્છના લુડબાય ગામમાં કુપોષણના કારણે એકસાથે 5 બાળકોનું મૃત્યુ થયું હતું.
એક જ ગામમાં 39 કેટલા બાળકો કુપોષિત-
ગામડાઓમાં કુપોષણને લઈને આરોગ્યતંત્ર જાગે અને આરોગ્ય સેવા વધારે અથવા તો આવા વિસ્તારો માટે જરૂર હોય તો કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામના સરપંચ જબ્બાર જત દ્વારા અપીલ કરવામાં આવી છે. ગામમાં કુપોષણના કેસ વધતા ભોજાય સર્વોદય ટ્રસ્ટે આ ગામમાં તપાસ શિબિર યોજી હતી.જેમાં ગામના 322 જેટલા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી 39 જેટલા બાળકો માટે એક ગામમાં કુપોષિત હોવાનું સામે આવ્યું હતું.
મા-બાપ ધ્યાન ન આપે તો અમે શું કરીએઃ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુંકે, ધારાસભ્યએ કહ્યું માતા-પિતા ધ્યાન ન આપે તો અમે શું કરીએ. આરોગ્ય તરફથી પુરતી સુવિધા આપવામાં આવે છે. અમે પણ હાજર હોઈએ છીએ. છતાં કંઈ તકલીફ થઈ હશે તે મને ખ્યાલ નથી. નખતરાણા ખુબ મોટું છે. અમે કાયમ અમારી જવાબદારી નીભાવીએ છીએ. અમે અવારનવાર સ્થળ પર વીજીટ લઈએ છીએ. પોતે જ પોતાના બાળકોનું ધ્યાન ન રાખ્યું હોય એમાં અમે શું કરીએ. પોતે ધ્યાન ન રાખે એમાં તંત્રની જવાબદારી ક્યાં આવે. અમારા સરપંચ, જિલ્લા પંચાયત આરોગ્ય કેન્દ્ર પણ સારું કામ કરે છે. અમે ધ્યાન ન આપ્યું હોય તો જ અમારો વાંક આવે. મા-બાપને ખબર ન પડે તો એમણે અમને કહેવું જોઈએ.
બાળક કુપોષિત કે જોખમી રીતે ન વિકસે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે-
એક બાજુ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રયત્નો હાથ ધરીને નાનામાં નાના ગામ સુધી આ સેવા પહોંચાડવા પ્રયત્નો કર્યા છે, જેમાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે જેવી યોજનાઓની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. માતાના પેટમાં ઊછરી રહેલા બાળક કુપોષિત કે જોખમી રીતે ન વિકસે તે માટે ખાસ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આમ છતાં આવું અભિયાન કચ્છના ગામો સુધી પહોંચ્યું જ ન હોય તેવું આ ગમામાં મોતને ભેટેલા 5 બાળકોના સમાચાર પરથી લાગી રહ્યું છે.
ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગામમાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો-
લુડબાય ગામના સરપંચ જબ્બાર જતે સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે,"ગત અઠવાડિયે 0થી 15 માસના 5 જેટલા બાળકોનું કુપોષણના કારણે મૃત્યુ થયું હતું.ત્યાર બાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે સ્થાનિક ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગામમાં બાળરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.ભોજાય સર્વોદય ટ્રસ્ટના મુંબઇના ડો. જયેશભાઇ કાપડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ એક જ ગામના 39 જેટલા બાળકો કુપોષિત અને જોખમી સ્થિતિમાં જોવા મળ્યા હતા."
ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ પણ નથી-
કચ્છના લુડબાય ગામના સરપંચ જબ્બર જતે જણાવ્યુંકે, "ઉલ્લેખનીય છે કે એક જ ગામના 39 જેટલા બાળકો કુપોષિત હોય એ ખૂબ ગંભીર અને ચિંતાનો વિષય છે ત્યારે સરકારે પણ આ બાબતે તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ.ઉપરાંત ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ પણ નથી ત્યારે સ્ટાફની નિમણુંક કરવામાં આવે અને સરકાર ગંભીરતા દાખવે.સારવાર માટે સ્થાનિક કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગામના લોકોએ 20 કિલોમીટર દૂર દેશલપર ખાતેના PHC અથવા તો 40 કિલોમીટર દૂર નખત્રાણા ખાતે આવેલ CHC જવું પડે છે પરંતુ ત્યાં જવા માટેનો રસ્તો પણ ખૂબ ખરાબ છે જેના કારણે લોકોને પૂરતી આરોગ્ય સુવિધા મળતી નથી."
સારવાર દરમિયાન બાળકના માતા પિતા પૂરતું ધ્યાન ન આપે ત્યારે હાલત વધુ બગડે-
કચ્છ જિલ્લા પંચાયતના EMO જીતેશ ખોરાસિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,"લુડબાય ગામમાં બાળકોનું વજન ઓછું હોવાના કારણે તેમજ વરસાદી વાતાવરણમાં રહેલા ભેજના કારણે તેમને થયેલ નીમોનીયા અને ડાયેરિયાના કારણે મોતના કારણે કચ્છના આરોગ્ય તંત્રને પણ દુઃખ છે.કુપોષિત બાળકોની સારવાર દરમિયાન બાળકોના માતા-પિતા પણ પૂરતું ધ્યાન ના આપતા હોય ત્યારે પણ બાળકોની હાલત વધુ બગડતી હોય છે.આ પરિસ્થતિ માટે કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી."
કુપોષિત બાળકોને ચાઈલ્ડ મોનેટરિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર ખાતે અપાય છે સારવાર-
"કચ્છના આરોગ્ય તંત્રની આંગણવાડી વર્કર, ફિમેલ હેલ્થ વર્કર ઘેર ઘેર જઈને કુપોષિત બાળકોની નોંધણી લે છે.આવા કુપોષિત બાળકોને નજીકના CMTC એટલે કે ચાઈલ્ડ મોનેટરિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર ખાતે લઇ જવામાં આવે છે.દરેક તાલુકા સ્તરે 1 CMTC હોય છે અને જિલ્લા લેવલે એક NRC હોય છે એટલે કે ન્યુ બોર્ન બાળકોનું ધ્યાન રાખવાનું સેન્ટર પણ હોય છે."
માતા અને બાળક બંનેને સારવાર પૂરી પાડવામાં આવે છે-
"જે બાળકો કુપોષિત હોય અને તેને પોષણ આપવા માટે પ્રયત્નો થઈ રહ્યા હોય પરંતુ તેને ઇન્ફેક્શન લાગી જાય જેવા કે નીમોનીયા અને ડાયેરિયા,તો કુપોષિત બાળકોમાં ઝાડાનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે.અત્યારે બાળકોને ઝાડા અને ન્યૂમોનિયા એમ બે રોગ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે.આરોગ્ય વિભાગના આશા વર્કરો જ્યારે ઘેર ઘેર પરીક્ષણ કરવા આવે ત્યારે જો કુપોષણના લક્ષણો જણાય તો બાળકને નજીકના બાળ પોષણ કેન્દ્રમાં લઈ જવું જોઈએ અને ત્યાં માતા અને બાળક બંનેને સારવાર પૂરી પાડવામાં આવે છે."
જિલ્લામાં હાલમાં 3667 જેટલા અતિ કુપોષિત બાળકો-
કચ્છના EMO ડો. જીતેશ ખોરાસિયાએ જણાવ્યુંકે, અમે પુરતી ફરજ બજાવીએ છીએ. બાળકો નીમોનિયાને કારણે મૃત્યુ પામ્યો છે. અમારો સ્ટાફ તો બરાબર કામ કરે છે. "આરોગ્ય તંત્ર દ્વારા બાળ પોષણ કેન્દ્ર પર બાળકને પોષણયુક્ત આહાર અપાય છે જેમાં માતાને પણ પૌષ્ટિક આહાર અપાય છે. બાળકને અહીઁ પૂરક પોષણ આપવા આવે છે. બાળ પોષણ કેન્દ્ર પર આવતી સામગ્રીનું રજિસ્તરમાં સ્ટોક અંગેની પણ નોંધણી કરવામાં આવે છે.જિલ્લામાં હાલમાં 3667 જેટલા અતિ કુપોષિત બાળકો છે જ્યારે 1300થી વધારે મધ્યમ કુપોષિત બાળકો છે"