ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત ભાજપની એવી તો કઈ મજબૂરી છે કે વફાદારો પાસે રાજીનામા લઈને બળવાખોરોને પદ આપવા પડે છે. ભાજપ સામે બળવો કરવા 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડનાર પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને આજે વડોદરા ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ડેરીના ચેરમને પદે સતિષ નિશાળીયાને રાજીનામું અપાવીને આ પદ દિનુ મામાને ભાજપે આપવું પડયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સામે બળવો કરનાર અને સહકારી નેતા દીનુમામને ભાજપ નાકલીટી તાણી ફરી ભાજપમાં લાવતાં સ્થાનિક નેતાઓમાં પણ આંતરિક અસંતોષનો માહોલ છે પણ પાર્ટીના નેતાઓ સામે તમામ ચૂપકીદી સાધીને બેઠા છે.  આજે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયાએ મેન્ડેડ જાહેર કર્યો હતો. બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા બાદ દિનુ મામાએ કહ્યું હતું કે બડોરા ડેરીના માથે આજે એક પણ રૂપિયાનું દેવુ નથી. ડેરીના પ્રમુખ તરીકે નવ વર્ષ પૂર્ણ કર્યા છે. બોડેલી ખાતે એક નવો પ્લાંટ પણ તૈયાર કરાયો છે. ભાજપ તો દિલમાં જ હતું પણ મામા એ ન ભૂલે કે તેઓ દિલ તોડીને બળવાખોરી કરે છે.



ગયા મહિનાના અંતમાં બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીષ પટેલે રાજીનામું આપ્યું હતું. હાલમાં સતીશ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી છે. રાજીનામું આપતા સતીષ પટેલે કહ્યું હતું કે એક વ્યક્તિ,એક હોદ્દાના નિયમ હેઠળ હું રાજીનામું આપી રહ્યો છું. પાર્ટીના આદેશથી ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે. આમ પાર્ટીને વફાદાર રહેનાર નેતાને રાજીનામું આપી આજે ભાજપે ફરી એક બળવાખોરને પદ આપ્યું છે. દીનું મામા એ વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મોટું માથું ગણાય છે. એમણે આ પહેલાં પણ 8 વર્ષ સુધી ડેરીના પ્રમુખનું પદ સંભાળ્યું છે. મસમોટી વાતો કરતું ભાજપ ગરજ પડે ત્યારે.... એ વાત અહીં સાચી ઠરી રહી છે. ભાજપમાં તમે ગમે તે કરો પણ તમારામાં પાવર હોય તો ભાજપ ઝૂકે છે એ આ ઘટનાએ સાબિત કરી દીધું છે. 


બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા પાટીદાર સમાજમાંથી આવે છે. વડોદરા જિલ્લામાં પાદરા વિધાનસભા મતવિસ્તાર છોટા ઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ છે. દિનુ મામા તેમના ક્ષેત્રમાં ખૂબ લોકપ્રિય છે. સહકારી ક્ષેત્રમાં તેમની સારી પકડ છે. 1998માં પ્રથમ વખત પાદરામાંથી ધારાસભ્ય બનવા માટે ચૂંટણી લડ્યા હતા પરંતુ તે વખતે તેઓ સફળ થયા ન હતા. અપક્ષ ઉમેદવાર તરીકે મામાને ત્રીજા ક્રમે આવવું પડ્યું. મામાએ 2002 માં ફરીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધુ મત મેળવીને તેઓ ભાજપના ઉમેદવાર પછી બીજા સ્થાને રહ્યા.


આ પછી પણ મામાએ હાર ન માની અને 2007ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.તખ્તસિંહ માનસિંહ પરમારને હરાવ્યા હતા. ઉગતા સૂરજને સૌ પૂજે એમ આ પછી મામાએ ભાજપમાં એન્ટ્રી લીધી અને પછી ભાજપ સાથે 2012ની ચૂંટણી લડ્યા અને જીત્યા. 2017ની ચૂંટણીમાં મામાને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ભાજપે 2022માં રીપિટ કર્યા ન હતા. 


2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે દિનુ મામાને ટિકિટ ન મળી ત્યારે તેમણે બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. એ સમયે ભાજપે એમને મનાવવા ઘણા ધમપછાડા કર્યા હતા પણ તેઓ માન્યા ન હતા. ભાજપે ઘણા નેતાઓને સમજાવવા મોકલ્યા હતા. ભાજપ માટે આ સીટ અગત્યની હતી. ભાજપમાંથી હાંકી કાઢ્યા બાદ મામાની વાપસીને 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ સાથે જોડવામાં આવી રહી છે. દિનુ મામા ભાજપમાં જોડાતા પાદરા બેઠક પર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનશે. તેનો સીધો ફાયદો લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને થશે.


અત્રે ઉલ્લેખીય છે કે, 2007માં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. જો કે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપમાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા હતા જેમાં તેમનો પરાજય થયો હતો. હવે ફરી ભાજપમાં જોડાતાં જ તેમે બરોડા ડેરીનું ચેરમેન પદ લ્હાણીમાં મળી ગયું છે.