જમીન વિવાદ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, ગાયોના નામે ગુજરાતમાં મોટા સાંઢ પૈસા ખાઈ જાય છે!
ગુજરાતમાં ગૌચરની જમીન કૌભાંડમાં લાંગા જેલમાં અને દાદા મહેલમાં એવા સૂત્રો સાથે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના પગથિયા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે એવો પણ પડકાર ફેંક્યો છેકે, જો સરકાર સાચી હોય તો આ કેસમાં કોર્ટમાં જવું જોઈએ.
ગૌરવ પટેલ, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત રહ્યો. આજે ગૌચરની જમીનના વિવાદ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયા પર બેસીને હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો. મૂલાસણા જમીન વિવાદ અંગે વિધાનસભા બહાર કોંગ્રેસે ગુજરાત સરકાર સામે ભારે દેખાવો કર્યાં. કોંગ્રેસ દ્વારા ૨૦ હજાર કરોડના કૌભાંડમાં તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે આ કેસમાં ગણોતિયા ખેડૂતોને ન્યાય આપવા પણ કોંગ્રેસે માંગ કરી છે. એટલું જ નહીં અહીં કોંગ્રેસે સૌથી મોટો સવાલ એ પણ ઉઠાવ્યો છેકે, હજારો કરોડની ગૌચરની જમીનના કૌભાંડ મુદ્દે સરકાર જો પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને જેલમાં ધકેલી સકતી હોય તો કલેક્ટરના ઉપર જે મોટા માથાઓ છે, જેમણે કલેક્ટરને સુચના આપી તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છેકે, એક તરફ સરકાર ગાયોની વાતો કરે છે, બીજી તરફ ગાયોના નામે ગુજરાતમાં મોટા સાંઢા પૈસા ગાઈ જાય છે.
ગુજરાત વિધાનસભાના પગથિયા પર બેસીને કોંગ્રેસના ધારાસભ્યોએ સમગ્ર મામલે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસનો આક્ષેપ છેકે, કલેક્ટરને જેલમાં મૂકો છો તો એમને સૂચના આપનાર સામે કાર્યવાહી કેમ નહીં? માત્ર કલેક્ટર આટલો મોટો નિર્ણય ના લઇ શકે, સરકારની મંજુરીથી જ શક્ય છે. બાંધકામ ને મંજૂરી આપવાનું કામ નવી સરકારે કર્યું છે. સરકારે જ લાંગા સામે કેસ કર્યો છે ત્યારે તેઓ કોર્ટમાં કેમ નથી જતા? આ કેસમાં સરકાર આગળ વધે તો તેમના સુધી જ રેલો આવે એવી સ્થિતિ છે. ગણોતિયાઓને જમીન પછી આપવામાં આવે એવી પણ કોંગ્રેસે માંગ કરી છે. ગાયના નામે મત માંગનાર સરકારે ગૌચર જ વેચી માર્યું.
કોંગ્રેસના સીનિયર ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર લાંગાએ એકલાએ પૈસા લીધા નથી. સરકારના મંત્રીઓ અને છેક મુખ્યમંત્રી સુધી આનો રેલો જાય છે. 20 હજાર કરોડ જેટલી માતબર રકમની જગ્યા એક કલેક્ટરનું કામ નથી. ગુજરાત સરકારના તત્કાલિન મંત્રી કે મુખ્યમંત્રી આમા કસુરવાર હોઈ શકે છે. આવી તો કેટલીયે જમીનો પર કૌભાંડ આચારવામાં આવ્યાં છે. 2 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન 1 રૂપિયાના ભાવે આપી દીધી છે, ગુજરાત સરકારે.
સી.જે.ચાવડાએ જણાવ્યુંકે, લેન્ડ રેવન્યુ કોડ મુજબ કલેક્ટર હુકમ કરે છે. એ સરકારના હુકમનું પાલન કરે છે. સરકારે પોલીસ કેસ કર્યો છે તો સરકાર આની સામે હાઈકોર્ટમાં કેમ જતી નથી. ગાંધીનગર કલેક્ટર હતા લાંગા એ સમયે આ કૌભાંડ કરાયા હતાં. સરકાર આમા ફસાઈ છે. મુખ્યમંત્રી સુધી રેલો આવ્યો છે. માત્ર એક અધિકારીને જેલમાં નાંખીને શું થશે.
શૈલેષ પરમારે જણાવ્યુંકે, સમગ્ર ગુજરાતમાં 3 હજારથી વધુ ગામો એવા છે જેમાં ગૌચર નથી. ગુજરાત વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છેકે, ગૌચરની જગ્યાઓ પર કલબો બની ગઈ છે. મોટા માથાઓને આપી દેવાઈ છે. સરકારના કૌભાંડનો ઢાંકપિછોડો કરવા માટે નામ પુરતી એસઆઈટીની રચના કરાઈ છે. જૂની સરકારની ભૂલ હતી તો નવી સરકારે તેના પર બાંધકામની મંજૂરી કેમ આપી. સરકાર એક તરફ ગૌ સેવાની વાતો કરે છે અને બીજી તરફ ગાયો ભુખી મરે છે અને ગાયોના નામે મોટા સાંઢ પૈસા ખાઈ જાય છે, મોટા માથાઓ પૈસા ખાઈ જાય છે.