ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં 10 મહિનાની બાળકીને અંધશ્રદ્ધામાં ડામ આપવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરી એક વાર અંધશ્રદ્ધાને કારણે એક માસુમને પીડાઓ સહન કરવાનો વારો આવ્યો છે. બીમારીનો ઈલાજ કરવાને બદલે નવી તકલીફ ઉભી કરવામાં આવી રહી છે. આ ઘટના લોકોની વિકૃત માનસિકતાની ચાડી ખાય છે. જેમાં એક માસુમ બાળકીને ડામ આપવામાં આવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના વિરમગામના વતની પ્રવીણ સુરેલાની 10 મહિનાની બાળકીને શરદી-ઉધરસ અને હાંફ ચડતી હોવાથી પ્રાથમિક સારવાર માટે ક્લિનિક લઈ જવામાં આવી હતી. જોકે મોટા હોસ્પિટલમાં બાળકીની સારવાર પાછળ ખર્ચ 20 થી 30 હજાર થતો હતો. તેથી બાળકીના માતા-પિતા અન્ય લોકોના કહેવાથી સુરેન્દ્રનગરના વડગામ ખાતે આવેલા સિકોતેર માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં રહેલા ભુઈમા સકરિબેન દ્વારા બાળકીને પેટના ભાગે સોઈ દ્વારા 3 જેટલા ડામ આપવામાં આવ્યા હતા. બાળકીની તબિયત બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તબિયત ગંભીર હોવાથી બાળકીને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં NICU વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. 


બાળકીના દાદા-દાદીએ કહ્યું હતું કે, શરદી-ઉધરસ અને શ્વાસ ચડતો હોવાથી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રૂપિયાનો ચાર્જ વધુ હોવાથી પહોંચી શકાય તેમ નહોતું. જેથી મંદિરે લઈ જઈ ડામ અપાવ્યા હતા. અમારી ભૂલ થઈ ગઈ. અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે, અંધશ્રદ્ધામાં ન આવવું. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન જાથા દ્વારા લોકોને જાગૃત કરવા અનેક જાગૃતિના કાર્યક્રમો કરે છે. એટલું જ નહીં ભૂવા અને મુંજાવરોના પર્દાફાશ કરે છે. તેમ છતાં ગુજરાતમાં સતત અંધશ્રદ્ધાના કેસ વધી રહ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કહ્યું હતું કે, ફૂલ જેવી કુમળી બાળકીને ડામ આપવા દુઃખની વાત છે. સરકારે પણ પછાત વર્ગના લોકોને સમજાવવા અને જાગૃતિ લાવવી જરૂરી છે. 


વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યાએ જણાવ્યું છે.શિક્ષિત અક્ષિત કરતા પણ માનસિકતા અગત્યનો ભાગ ભજવે છે. વિજ્ઞાન જાથા આ અંગે જાગૃતિ લાવશે. કોઈ અફવા ફેલાવે, મેડિકલ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. સરકારે આમાં ગુનો દાખલ કરવો જોઈએ. સરકારના અલગ અલગ વિભાગો દ્વારા આ કામગીરી થવી જોઈએ. એટલું જ નહીં નગરપાલિકા અને જિલ્લા પંચાયતોને પણ સૂચના આપી ગામે-ગામ આ જાગૃતિ લાવવી જરૂરી છે. આ પ્રકારના કેસમાં પોલીસ IPC 505, 120 (ક) (ખ) અને મેડીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી શકે છે. સરકાર આવા કિસ્સામાં ખુદ ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવે જેથી દાખલારૂપ કાર્યવાહી થાય અને આવા કિસ્સાઓ બનતા અટકે.