ડુંગળીની છાલથી થશે પાણીનું શુદ્ધીકરણ! દુનિયામાં ફરી ગુજરાતનો ડંકો, પાટણમાં નવતર પ્રયોગ
પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલની ટીમે કરેલું સંશોધન સફળ રહ્યું. ઉલ્લેખનીય છેકે, આશિષ પટેલનું આ સંશોધન વર્લ્ડની ટોપ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં દિનપ્રતિદિન શુદ્ધ પાણીનો જથ્થો ખતમ થઈ રહ્યો છે. પાણીના શુદ્ધીકરણનો ખર્ચ પણ ખુબ મોટો હોય છે. પાણી વિના આપણને ચાલવાનું નથી એ વાત પણ એટલી જ સાચી છે. ત્યારે ગુજરાતના પાટણ જિલ્લામાં આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વિશ્વમાં સૌપ્રથમ ખાવાની લીલી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનાં રસ માંથી અશુદ્ધપાણીને શુદ્ધ કરવાનું સફળ સંશોધન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં અશુદ્ધ પાણી વ્યર્થ જાય તેના અદલે તેનું શુદ્ધિકરણ કરી ફરી વપરાશમાં લઈ શકાય અને અશુદ્ધ પાણીના કારણે થતા કેન્સર જેવા ગંભીર રોગો અટકાવી શકાય તેવા ઉદ્દેશથી આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઈફ સાયન્સ વિભાગના પ્રો. ડો. આશિષ પટેલ ના માર્ગદર્શન હેઠળ ડૉ.નિશા ચૌધરી અને ડો. વિરેન્દ્ર કુમાર યાદવની ટીમ દ્વારા ગુજરાત સહિત દેશમાં ખાવામાં ઉપયોગમાં લેવાતી ડુંગળીની ફેંકી દેવામાં આવતી છાલનો ઉપયોગ કરીને ઝીંક ઓક્સાઈડ (ZNO)ના નેનો પાર્ટીકલ્સ એટલેકે, અતિ સુક્ષ્મ ઘટકોનું સંશ્લેષણ સફળતાપૂર્વક કરી ડુંગળીની છાલમાંથી તૈયાર કરાયેલા ઝિંકના સૂક્ષ્મ ઘટકો પાણીમાં રહેલી અશુદ્ધીઓ દૂર કરી ફરી વરરાશમાં લઈ શકાય તેનું સફળ સંશોધન કાર્ય સફળ થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટોપ ટેન MDPI ની વોટર જનરલમાં પ્રકાશિત થયું છે.
સૂર્યપ્રકાશની હાજરીમાં બે કલાકમાં પાણીની અશુદ્ધિઓ દૂર થશેઃ ડૉ.આશિષ
*છાલ માંથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા ઝીંક ઓક્સાઇડ ના નેનો પાર્ટીકલ્સના ઉપયોગથી પ્રદૂષિત પાણીમાંથી હાનિકારક જૈવિક અશુદ્ધિઓ ( નુકસાનકારક તત્વો) નુ સૂર્યપ્રકાશ ની હાજરીમાં માત્ર બે કલાકમાં જ પાણીના કેમિકલ તેમજ હાનિકારક અશુદ્ધિઓ તોડી વિભાજીત કરી પાણી શુદ્ધ કરી વપરાશ લાયક બનાવી શકાય છે. આ પાણી પીવામાં , ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે.
સંશોધન પદ્ધતિ:
સ્ટેપ 1: લીલી ડુંગળી ની છાલ લઈ સૂકવવામાં આવી
સ્ટેપ 2: સુકવેલી છાલ માંથી રસ તૈયાર કરાયો
સ્ટેપ ૩: રસને ઝીંક સાથે રાસાયણિક પ્રક્રિયાથી મિક્સ કરીને ઝિંકનાં અતિ સૂક્ષ્મ કણો બનાવ્યા
સ્ટેપ 4: કંપનીઓમાંથી છોડતું ડાઈ વાળું દૂષિત પાણી લેવામાં આવ્યું.
સ્ટેપ 5: આ દૂષિત પાણીમાં ઝીંકના સૂક્ષ્મ કણો નાખીને સૂર્યપ્રકાશ મળે એ રીતે મૂકવામાં આવ્યું
સ્ટેપ 6: બે કલાક સુધી પ્રક્રિયા થયા બાદ અશુદ્ધ તત્ત્વો સૂક્ષ્મ કણો સાથે મળી નીચે જમાં થઈ ગયા.
7: દૂષિત પાણી શુદ્ધ થઈ ગયું હતું.