અમદાવાદમાં હત્યા અને ફાયરિંગ સહિત વધી રહ્યાં છે ગુના, જાણો આ મુદ્દે પોલીસ કમિશ્નરે શું કહ્યું
અમદાવાદ શહેરમાં હત્યા અને ફાયરિંગ સહિતના વધતા જતાં ગુનાને મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યુ છે. જાણીએ પોલીસ કમિશનર જી એસ મલિકે શું કહ્યું...
ઉદય રંજન, અમદાવાદઃ છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદ શહેરમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળે દિવસે ફાયરિંગ અને હત્યાની ઘટના એ હવે અમદાવાદમાં જાણે સામાન્ય બાબત બની ગઈ છે. હાલમાં જ રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને હત્યાની ઘટના એ વાતનો સૌથી મોટો પુરાવો છે. ત્યારે આ પ્રકારના ગુનાઓને રોકવા શું કરી રહી છે ગુજરાત પોલીસ એ એક મોટો સવાલ છે. આવા જ તમામ સવાલોનો જવાબ આજે અમદાવાદ પોલીસ કમિશ્નરે મીડિયા સમક્ષ આપ્યો.
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશનર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે,ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, દરેક વાહનની તપાસ કરવી શક્ય નથી પણ હા રિવરફ્રન્ટ પર CCTV જરૂરી છે. આ મુદ્દે સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાયરિંગ અને આત્મહત્યાના મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા શાહપુર અને વટવામાં પણ હત્યાની ઘટના બની હતી. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી. રિવરફ્રન્ટવાળી ઘટના મર્ડર કે ફાયરિંગની નથી તેમાં સ્મિતે ડરના માર્યા આપઘાત કર્યો છે.
શું હતી અમદાવાદ રિવરફ્રન્ટની ઘટના-
વિરમગામ અને અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. પૈસાની લેતી દેતીમાં મિત્રોએ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. વિરમગામમાં રવિન્દ્ર લુહારની સ્મિત ગોહિલ અને યશ રાઠોડે હત્યા કરી હતી,ળી મારી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી. હત્યા કર્યા બાદ સ્મિત ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ આવ્યા હતા. સ્મિત ગોહિલ પોતે ગુનામાં સામેલ હોવાથી પકડાઈ જવાનો ડર સતાવતો હતો. જેથી યશ પાસેથી હથિયાર લાવીને રિવરફ્રન્ટ પર પોતાને ગોળી મારી સ્મિતે આપઘાત કરી લીધો હતો. સાબરમતી નદીમાંથી ક્રાઈમ બ્રાન્ચે હથિયાર પણ કબ્જે કર્યું હતું. બાદ યશ રાઠોડની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી. હવે આ કેસમાં યશ રાઠોડ બંને કેસનો મુખ્ય આરોપી છે. બંને મૃતક અને યશ વર્ષોથી મિત્રો હતા. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું કે, યશ અને સ્મિત હત્યા માટે મધ્યપ્રદેશના મુરેનાથી હથિયાર લાવ્યા હતા. યશની ધરપકડ કરીને પોલીસે સધન પૂછપરછ હાથ ધરી છે.
તો બીજી તરફ વલસાડ જિલ્લાના વાપી ખાતે ફાયરિંગ વિથ લૂંટની ઘટના બની છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની છે. એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખોની લૂંટ ચલાવી લૂંટારુઓ પળવારમાં જ ફરાર થઈ ગયા હતા. આ બનાવ બાદ વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. વલસાડ પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા પ્રયાસ કર્યા છે.