અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ કાર અકસ્માતમાં આરોપી તથ્ય પટેલના પિતાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. પોલીસે જગુઆર કાર ચલાવી રહેલા આરોપીના પિતા પ્રગ્નેશ પટેલ પર અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર સાક્ષીઓને ધમકાવવાના આરોપ છે. ગુજરાત હાઈકોર્ટે પ્રગ્નેશ પટેલને શરતી જામીન આપ્યા છે. જેમાં કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી તથ્ય પટેલના પિતાએ અમદાવાદ શહેરની હદ બહાર રહેવું પડશે. આ સિવાય કોર્ટે દેશ ન છોડવા અને પાસપોર્ટ સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર સુનાવણીમાં હાજરી આપવાની પરવાનગી-
હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેની કોર્ટે આરોપી પ્રગ્નેશ પટેલને એ શરતે જામીન આપ્યા હતા કે તે ટ્રાયલના નિષ્કર્ષ સુધી સુનાવણીમાં હાજર રહેવા સિવાય અમદાવાદ શહેરમાં પ્રવેશશે નહીં અને કોર્ટની પૂર્વ પરવાનગી વિના ભારત છોડી શકશે નહીં. આ વર્ષે 20 જુલાઈના રોજ શહેરના SG હાઈવે પરના ફ્લાયઓવર પર થયેલા અકસ્માતના કલાકો પછી, પ્રગ્નેશના પુત્ર તથ્ય પટેલની બેદરકારી અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ગૈર ઈરાદાતન  હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, અને તે જેલમાં છે. આ ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે જગુઆર કારની સ્પીડ 120થી ઉપર હતી.


અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ-
જગુઆર કાર અકસ્માતનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે. આ પહેલાં તથ્ય પટેલના જામીન માટે ટ્રાયલ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધો હતો. તથ્ય પટેલને હાલમાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત સમયે ગુજરાત સરકારે પીડિતોને કડક સજાની ખાતરી આપી હતી.