ભાજપ સરકારના પાપે અનેકવાર ફુટ્યું લાખો ઉમેદવારોનું કિસ્મત! જાણો ગુજરાતના પેપરલીકકાંડનો કાળો ઈતિહાસ
Paper Leak: પેપરના મુખ્ય પ્રશ્નો લીક થયા હોવાની વાત સામે આવી છે. જેમાં એક તરફ વાત સામે આવી છેકે, વડોદરાથી પેપર લીક થયું છે. પેપરના કેટલાંક ભાગ સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજિકા કચેરિયાએ સત્તાવાર રીતે જણાવ્યું છેકે, આ પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ઉલ્લેખનીયછેકે, આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું.
પેપરના મુખ્ય પ્રશ્નો લીક થયા હોવાની વાત સામે આવી છે. જેમાં એક તરફ વાત સામે આવી છેકે, વડોદરાથી પેપર લીક થયું છે. પેપરના કેટલાંક ભાગ સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સભ્ય રાજિકા કચેરિયાએ સત્તાવાર રીતે જણાવ્યું છેકે, આ પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે. પેપરલીકના કાળ ઈતિહાસની કુંડળી પણ અહીં દર્શાવવામાં આવી છે.
ગુજરાતમાં ક્યારે કયું પેપર ફૂટ્યું? પેપરલીકકાંડનો કાળો ઈતિહાસઃ
ક્યારે અટકશે પેપર ફૂટવાનો સિલસિલો?
● 2014: GPSC ચીફ ઓફિસરનું પેપર
● 2015: તલાટી પેપર
● 2016: જિલ્લા પંચાયતની તલાટીની પરીક્ષા (ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર)
● 2018 : TAT -શિક્ષક પેપર
● 2018 : મુખ્ય-સેવિકા પેપર
● 2018: નાયબ ચિટનીસ પેપર
● 2018: LRD-લોકરક્ષક દળ
● 2019: બિનસચિવાલય કારકુન
● 2021: હેડ ક્લાર્ક
● 2021: DGVCL વિદ્યુત સહાયક
● 2021: સબ ઓડિટર
● 2022: વનરક્ષક
● 2023: જુનિયર ક્લર્ક
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમની મિલીભગતના કારણે આ પેપર ફુટે છે. વારંવાર પેપર ફૂટે છે તો ભાજપ સરકાર શું કરે છે. કેમ ભાજપ સરકાર દ્વારા જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. લાખો ઉમેદવારોના ભાવિ સાથે વારંવાર ચેડા થઈ રહ્યાં છે ગુજરાત સરકારે આ અંગે જનતાને જવાબ આપવો પડશે. કેટલાંક લોકો પોતાની દિકરી સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરતી હોવાથી તેનું સગપણ નથી કરતા. કે અમારી દિકરી પહેલાં સરકારી નોકરી મેળવી લે પછી તેના લગ્નનું વિચારીશું. આવા કેટલાંય બલિદાનો કેટલીયે આશાઓ પર આ પેપરલીકના કારણે પાણી ફરી વળે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, ગુજરાતના લાખો ઉમેદવારોને પેપરલીક કાંડએ ભાજપ સરકાર તરફથી મોટી ભેટ છે. વારંવાર કેમ પેપરલીક થાય છે? વારંવાર લાખો યુવાનોના ભાવિ સાથે ચેડાં કેમ થાય છે? સરકાર પાસે આ સવાલોનો કોઈ જવાબ જ નથી. ગુજરાત સરકારની આ મોટી નિષ્ફળતા છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ પેપરલીક કાંડ માટે ગુજરાત સરકારને જ જવાબદાર ગણે છે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુંકે, વારંવાર પેપર ફૂટે છે તો લાગે છેકે, આ પેપર નથી ફુટતા પણ અમારા બાળકોના અને અમારા નસીબ ફૂટે છે.