અંબાણી પરિવારના કાર્યક્રમના બંદોબસ્ત પછી ઘરે જઈ રહેલાં પોલીસકર્મીને વાહને કચડી નાંખતા મોત
જામનગર ખાતે અંબાણી પરિવારના દીકરા અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યું. જ્યાં વીવીઆઈપીઓ આવ્યાં હોવાથી ફૂલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાર્યક્રમમાંથી બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જઈ રહેલાં પોલીસકર્મીનું અકસ્માતમાં મોત.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલમાં ગુજરાતના જામનગરમાં એકઠો થયો હતો દુનિયાભરનો જમાવડો. જેનું કારણ હતું અંબાણી પરિવારનો કાર્યક્રમ. દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે કાર્યક્રમ પુરો થતાં પોલીસ પણ રાહતનો શ્વાસ લઈને ઘરે પરત ફરી રહી હતી. એવામાં જામનગરથી જ સામે આવ્યાં માઠા સમાચાર.
પ્રિ-વેડિંગ સેરેમનીના કાર્યક્રમમાં બંદોબસ્ત પૂર્ણ કરી ઘરે પરત ફરતા નડ્યો અકસ્માતઃ
ઉલ્લેખનીય છેકે, જામનગર ખાતે અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ સેરેમનીના કાર્યક્રમમાં બંદોબસ્ત પૂર્ણ કરી ઘરે પરત ફરતા ગોંડલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં પોલીસમેન વિનોદભાઈ લાલકિયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઉંમવાડા રોડ પર બાઈક પર સવાર કોન્સ્ટેબલને અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઈ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસ બેડામાં શોક છવાયો છે. વિનોદભાઈ વર્ષ 2011થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા, ગોંડલ બાદ હાલ શાપર પોલીસ મથકમાં ફરજ હતી. 7 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
અજાણ્યા વાહને પોલીસકર્મીને કચ઼ડી કાઢ્યાંઃ
આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં મૃતકના ભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુ હકુભાઈ લાલકીયા (ઉં.વ.43)એ જણાવ્યું કે, હું મારા મૂળ ગામ બેટાવડ નવા પ્લોટ જુની પંચાયત સામે, તાલુકો ગોંડલ ખાતે રહું છું. ગામમાં મારી 25 વીઘા ખેતીની જમીન આવી છે તેમાં ખેતી કામ કરું છું. ગઈકાલ તા.4/3/2024 ના રોજ હું જમીને મારા ઘરે સૂતો હતો ત્યારે આશરે રાત્રે પોણા બારેક વાગ્યે મારા નાના ભાઈ વિનોદભાઈના પત્ની શીતલબેનનો મને ફોન આવેલ અને વાત કરેલ કે, તમારા ભાઈનું એક્સિડન્ટ થયેલ છે અને તેને ગોંડલ સરકારી દવાખાને લઈ ગયેલ છે.
જેથી હું તથા મારા કાકાનો દીકરો મિલન લાલકીયા અમે બંને જણા મારી વેગેનઆર ગાડીમાં બેટાવડથી નીકળી ગોંડલ સરકારી દવાખાને આવતા મને ખબર 5ડેલ કે, મારો નાનો ભાઈ વિનોદ ગુજરી ગયેલ છે. અને મેં તેની લાશ જોયેલ તો તેને જમણા પગે લાગેલ હતું અને જમણો પગ બે જગ્યાએથી ભાંગી ગયેલ હતો. શરીરે નાની મોટી ઈજા થઈ હતી અને મને વાતો વાતથી જાણવા મળેલ કે, વિનોદ ઉંમવાડા ગામે પ્રસંગમાં ગયેલ હતો અને તેનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર.જીજે-03-જે બી -5550 લઈને ગોંડલ ઘરે આવતો હતો.
ત્યારે રસ્તામાં આશરે પોણા અગીયારેક વાગ્યાના અરસામાં સુવર્ણભૂમિ રેસિડેન્સી પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે મારા ભાઈને મોટરસાયકલ સાથે અડફેટે લઈ એક્સિડન્ટ કરી શરીરે ગંભીર ઈજા પહોંચાડતા મારા ભાઈનું મોત નીપજેલ. મારા ભાઈ વિનોદભાઈ હાલ ગોંડલ સીટી પોલીસ લાઈનમાં રહેતા હતા. તેમને સંતાનમાં 7 વર્ષનો દીકરો છે. ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.