ઝી બ્યૂરો, અમદાવાદઃ સૌ કોઈ જાણે છેકે, પોલીસ ખાતામાં અધિકારીઓની આગતા સ્વાગતા, ખુશામત, વ્યવહાર અને વહીવટો કરીને બદલીઓ થતી હોય છે. આઈપીએસ અધિકારીઓ ખાસ કરીને પોતાના મળતિયા પીએસઆઈ, પીઆઈને મનગમતી સેટિંગવાળી જગ્યાઓ પર પોસ્ટિંગ અપાવતા હોય છે. મલાઈદાર જગ્યાઓ પર બદલી કરાવીને ઉપરી અધિકારીઓ પણ મલાઈ ખાતા હોય છે. પોલીસ વિભાગમાં રહેલું આ દૂષણ આજકાલનું નથી, ભ્રષ્ટાચારની આ બીમારી વર્ષોથી આ વિભાગમાં ઘર કરી ગઈ છે. અગાઉ સરકાર પણ ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ગેરરીતિઓ થતી હોવાની કબુલાત કરી ચુકી છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ લીધેલાં એક નિર્ણયથી હાલ ગુજરાતના પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DGP એ અગાઉ થયેલી ભલામણો જોઈને બદલીઓ મુદ્દે પરિપત્ર બહાર પાડ્યો છે. જેને કારણે હાલ સમગ્ર પોલીસ ખાતામાં હલચલ મચી ગઈ છે. જે અંતર્ગત હવે આઈપીએસ અધિકારીઓ ભલામણ કરશે તો પણ પસંદગીના PI-PSI ની બદલી નહીં થાય. શહેર તેમજ જિલ્લામાં પોસ્ટિંગ માટે થતી 'ટેન્ડર' પ્રથા પર ડીજીપી રોક લગાવી શકશે? અત્યાર સુધી માનીતા સત્તાવાર ગોઠવાતા હતા તેના માટે હવે મોટા વહીવટો થવાનો ભય છે.


રાજ્યમાં પોતાના માનીતા પીઆઇ, પીએસઆઈને પસંદગીની જગ્યાઓ પર બદલી કરી આપવા પહેલાં ચાલતા હતા મોટા સેટિંગો. આ અમે નથી કહી રહ્યાં આ વાત જગજાહેર છે. ખુદ નિવૃત્ત પોલીસ અધિકારીઓ પણ ઘણીવાર ઓન કેમેરા આ વાતની કબુલાત કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ બદલીઓમાં આઇપીએસ અધિકારીઓ દ્વારા થતી ભલામણો રાજ્યના પોલીસ વડાને ધ્યાને આવતા તેઓ નારાજ થયા હતા. જેને લઈને DPG દ્વારા ચાર દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, કોઈપણ આઈપીએસ અધિકારીએ પોતાની પસંદગીના પીઆઈ કે પીએસઆઈની બદલી કરાવવા માટે ભલામણો કરવી નહીં.  


પરિપત્રમાં એ વાત પણ જણાવવામાં આવી છેકે, જો ભલામણ કરવામાં આવશે તે ભલામણ માન્ય રાખવામાં આવશે નહીં. આ પરિપત્રને લઈને સમગ્ર પોલીસબેડામાં અફરાતફરી મચી ગઇ છે. બીજી તરફ, શહેરી તેમજ જીલ્લામાં પીઆઇ કે પીએસઆઇના પોસ્ટિંગ માટે થતી ટેન્ડર પ્રથા રાજ્ય પોલીસ વડા રોકી શકે તે એક મોટો સવાલ છે. સિસ્ટમમાં રહેલી બદી ડીજીપીના ધ્યાને આવતા તેમણે પરિપત્ર જાહેર કરીને તેના પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો છે.