Supercop IPS Officer Himanshu Shukla: 26 વર્ષની ઉંમર, જુવાનીની તાકાત અને ખાખીનો તાપ... એક સમયે ગુજરાત સરકારના સંકટ મોચક ગણાતા IPSનો એવો દબદબો હતો કે કોઈ પણ કેસમાં સરકાર ભરાય એટલે કેસ ટ્રાન્સફર થઈ જતો હિમાંશું શુક્લાને ( HIMANSHU SHUKLA).. આ અધિકારીએ અનેક કેસોમાં સરકારને બહુમાન અપાવ્યું છે અને હાલમાં એનું ફળ ભોગવી રહ્યાં છે. નાની ઉંમરમાં DIG બની જનાર શુક્લા હાલમાં RAWમાં ડેપ્યુટેશનમાં કામગીરી કરી રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ATSના DIG હિમાંશું શુક્લાને ( HIMANSHU SHUKLA)કોઈ ઓળખની જરૂર નથી. એમના નામે એટલા ડિટેક્શનના કેસ બોલે છે એમને ડિટેક્શનના માસ્ટર ગણવામાં આવતા હતા. સામી છાતીએ ગોળી ખાનાર અધિકારી હિમાંશુ શુક્લા ATSની શાન ગણાતા હતા. એમની સાથે કામગીરી કરનાર સાથી કર્મચારીઓ આજે પણ એમના વખાણ કરતાં થાકતા નથી. એમને એક બે નહીં એવા ડઝનેક કેસો ઉકેલ્યા છે. જે કેસોએ તેમની તરક્કીના દ્રાર ખોલી દીધા હતા. એમનો સાલસ અને સરળ સ્વભાવ તેમજ દરેક અધિકારીને છૂટથી કામગીરી કરવા દેવાની એમની કાબેલયિતને પગલે ATS એજન્સીની કામગીરી આજે પણ વખણાય છે. વર્ષ 2005માં IPS હિમાંશુ શુક્લ ( HIMANSHU SHUKLA) યુપીએસસી પરીક્ષા પાસ કરી અને ભારતીય પોલીસ સેવાના અધિકારી બન્યા, વર્ષ 2006માં પ્રોબેશનર ઓફિસર તરીકે વડોદરા ગ્રામ્યમાં તેમની નિમણૂંક થઈ હતી પણ એ  સમયે જોશ એવો હતો કે સામી છાતીએ ગોળી ખાઈને આવ્યા હતા, IPS ટ્રેનિંગ સેન્ટરમાં લીધેલી તાલીમનો જોશ હતો અને વડોદરામાં લૂંટ કરનાર એક આરોપી ઉત્તર પ્રદેશના ઈંટાવામાં સંતાયો હોવાની બાતમી મળતાં આ શુક્લા ઉત્તર પ્રદેશ રવાના થયા હતા.


ફિલ્મ કરતા ખતરનાક છે એમના કિસ્સાઃ
હિમાંશુ શુક્લા એક સબ ઈન્સપેક્ટર અને બે કોન્સ્ટેબલ સાથે કારમાં ઉત્તર પ્રદેશ જવા રવાના થયા હતા. તારીખ હતી 15 ઓગસ્ટ 2006, જે વિસ્તારમાં આરોપી સંતાયો હોવાની શંકા હતી તે કાસગંજ વિસ્તાર હતો. ત્યાં સંખ્યાબંધ ઈંટોનું ઉત્પાદન થતું હતું. સબ ઈન્પેક્ટરે જઈ ઈંટ ઉત્પાદકો સાથે વાત કરી અને ત્યાંથી તેમને એક નંબર મળ્યો. જેની તપાસના અંતે મેહરાજ ગુડ્ડું તો મળી આવ્યો પણ તેમની પિસ્તોલે તેમને દગો આપ્યો હતો. હિમાંશુ શુક્લએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના પેન્ટમાં છૂપાવેલી પીસ્તોલ કાઢી અને ટ્રીગર દબાવી, પણ કમનસીબે ટક એવો અવાજ થયો પણ ગોળી છૂટી નહીં. કારણ કે પીસ્તોલ જામ થઈ ગઈ હતી. આ તકનો પેલા આરોપીએ ફાયદો લીધો અને તેણે પોતાની પાસે રહેલા તમંચામાંથી ગોળી ચલાવી, જે ગોળી સીધી હિમાંશુ શુક્લાના પેટમાંથી આરપાર નીકળી ગઈ. હિમાંશુ શુક્લ ત્યાં જ ઢળી પડ્યા પરંતુ પોતે નિયંત્રણ ગુમાવે તે પહેલા ફોન કરી પોતાના સાથી પીએસઆઈને મદદ માટે બોલાવ્યા હતા. જેઓને એટા બાદ ગુજરાત સરકારની મદદથી ટ્રેનમાં ગુજરાત લવાયા હતા. આ ઈજામાંથી સાજા થઈને તેણે અટક્યા વિના પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. શુક્લાને તે ઓપરેશન માટે પોલીસ વીરતા પુરસ્કાર મળ્યો હતો.


ગુજરાતમાં 2010 અને 2015 વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવ્યા બાદ શુક્લાને એસપી, ઓપરેશન્સ, ગુજરાત ATS તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. એટીએસમાં જોડાયા બાદ તે એક પછી એક કેસો ઉકેલી શુક્લાએ સરકારનો ભરોસો જીત્યો હતો. ફેબ્રુઆરી 2019માં શુક્લાને એટીએસના ડીઆઈજીના પદ પર બઢતી આપવામાં આવી હતી. IIT-ખડગપુરમાંથી BTech ની ડિગ્રી મેળવનાર શુક્લાએ UPSC પરીક્ષામાં 54મો રેન્ક મેળવ્યો હતો અને તેA IAS ઓફિસર બની શક્યા હોત. પરંતુ તેમણે પોલીસ અધિકારી બનવાનું પસંદ કર્યું હતું. હિમાંશું શુક્લાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેઓએ આતંકવાદી કેસોને ઉકેલવામાં અને ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા સંગઠનોના આતંકવાદી મોડ્યુલોની ઓળખ કરવામાં સફળતા મેળવી હતી. 2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના તપાસની કેસમાં પણ તેઓ સામેલ હતા. શુક્લાએ બે બીજેપી નેતાઓ - શિરીષ બંગાલી અને પ્રગ્નેશ મિસ્ત્રીની ભરૂચ હત્યાકાંડને ઉકેલી પોતાની કાબેલિયતને સાબિત કરી હચી. "આ કેસમાં સામેલ વ્યક્તિ જાવેદ દાઉદ શેખ ઉર્ફે જાવેદ ચિકના હતો, જે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સહયોગી હતો."


એક દાયકા જેટલા સમયમાં ગુજરાતમાં ટોપની પોઝિશન પર રહેલા શુક્લાએ જમીન પરના આતંકને કાબૂમાં લેવાની સાથે દરિયાઈ વાટે આવતા ડ્રગ્સને પકડવામાં પણ અગ્રીમ ભૂમિકા ભજવી હતી. અબજોની કિંમતના હેરોઈનની સૌથી મોટી જપ્તીમાંની એક તેમણે રિકવર કરી હતી. શુક્લાની આગેવાની હેઠળની ATSએ રૂ. 800 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું .


વડોદરા કાર્યકાળ બાદ શુક્લાએ સાબરકાંઠામાં એએસપી તરીકે ફરજ બજાવી હતી. અહીં તેમને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કામ કરવાનો મોકો મળ્યો, જેના કારણે તેમને ઓળખ મળી હતી. આશિષ ભાટિયા અને અભય ચુડાસમા જેવા વરિષ્ઠ અધિકારીઓ હેઠળ કામ કરતા શુક્લાએ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓને બહાર કાઢવા અને ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હિંમતવાન અને સમજદાર, શુક્લાએ હાઈ-પ્રોફાઈલ કેસોમાં એવી ભૂમિકા ભજવી હતી કે તેઓ સરકારના સંકટ મોચક બની ગયા હતા. કમલેશ તિવારી હત્યા કેસની તપાસ, 2019માં ગાંધીનગર સિરિયલ કિલરની ધરપકડ અને 2020માં અમદાવાદની એક હોટલમાંથી છોટા શકિલના સાથીદારની ધરપકડ શુક્લાની મુખ્ય ઉપલબ્ધીઓ હતી. હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા લખનૌમાં થઈ હશે, પરંતુ આ ઘટનાના છેડા ગુજરાતના સુરત સાથે જોડાયેલા હતા. જ્યારે યુપી પોલીસે આ હત્યાનો પર્દાફાશ કરવા માટે માહિતી એકઠી કરી, ત્યારે ગુજરાત એટીએસ આ કડીઓના આધારે આરોપીઓની પાછળ પડી ગઈ હતી.. આખરે હત્યાના બે મુખ્ય આરોપી અશફાક હુસૈન (34) અને મોઇનુદ્દીન ખુર્શીદ પઠાણ (27)ની ધરપકડ સાથે પોલીસે કેસને ઉકેલી દીધો હતો. 


ગુજરાત ATSએ યુપી પોલીસને પાછળ છોડી હતી-
કમલેશ તિવારી હત્યા કેસના ઘટસ્ફોટમાં ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાના તાર ગુજરાત સાથે જોડાયેલા હોવાની સાથે જ ગુજરાત ATS એલર્ટ થઈ ગઈ હતી. ATS ચીફ હિમાંશુ શુક્લાને સુરતની એક દુકાનમાં આરોપીઓની હાજરીની માહિતી મળતા જ હિમાંશુ શુક્લા તેમની ટીમ સાથે કોઈ પણ વિલંબ કર્યા વગર સુરત પહોંચી ગયા હતા. આનું પરિણામ એ આવ્યું કે હત્યાકાંડના માત્ર 24 કલાક પહેલાં જ આ કેસના સૂત્રધાર રાશિદ અહેમદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન પઠાણની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. યુપી પોલીસ હત્યા કેસના મુખ્ય આરોપીની શોધમાં લખીમપુર, બરેલી અને સહારનપુરમાં ભટકતી હતી. DIG હિમાંશુ શુક્લાની આગેવાની હેઠળની ગુજરાત ATSએ જણાવ્યું હતું કે આરોપીઓના પરિવારજનોની પૂછપરછ અને ટેકનિકલ અને ફિઝિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.


ગોધરા-અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસ-
ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરતી વખતે હિમાંશુ શુક્લાએ ઘણા હાઈપ્રોફાઈલ કેસ ઉકેલ્યા હતા. તેમને ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત 4 કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ઉકેલવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


ડોન રવિ પૂજારી, દાઉદના સાગરિતોની ધરપકડ-
હિમાંશુ શુક્લાએ અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી અને 1993 બ્લાસ્ટના આરોપીઓની પણ ધરપકડ કરી છે. જાન્યુઆરી 2017માં હિમાંશુ શુક્લાએ ગુજરાત પોલીસ સાથે મળીને ગેંગસ્ટર રવિ પૂજારીના સાગરિત સુરેશ પિલ્લઈની ધરપકડ કરી હતી. આ જ વર્ષે જ્યારે આફ્રિકન દેશ સેનેગલમાંથી ડોન રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી ત્યારે ગુજરાત ATSએ દેશની ગુપ્તચર એજન્સીઓને મહત્વના ઈનપુટ આપ્યા હતા. જૂન 2018માં હિમાંશુ શુક્લાના નેતૃત્વ હેઠળ ગુજરાત ATSએ 1993ના બોમ્બે બ્લાસ્ટના આરોપી અહેમદ કમલ શેખ ઉર્ફે લમ્બુની ધરપકડ કરી હતી. લંબુની વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી હતી. લમ્બુની ધરપકડ પર હિમાંશુ શુક્લાએ કહ્યું કે તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું અને તે સોનાની દાણચોરીમાં સામેલ હતો. સરકારે પણ આ અધિકારીના કામની કદર કરી હતી.  પાંચ વર્ષ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાત વર્ષ ગુજરાત એટીએસમાં ફરજ બજાવનાર હિમાંશુ શુક્લની પસંદગી ગુપ્તચર એજન્સી રૉ માટે થઈ હતી. આજે તેઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. ગુજરાત પોલીસ કેડરના આ અધિકારી ડિટેક્શનમાં માહેર હોવાથી RAWમાં તેમની પસંદગી એમની ઉજ્જવળ કારકીર્દીને આભારી છે.