ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્સવપ્રેમી ગુજરાત સરકારનો પ્રેમ પ્રજાને પડી રહ્યો છે ભારે. કારણકે, પ્રજાના ટેક્સના પૈસાને સરકાર બેફામ વાપરી રહી છે. સરકારે ખુદ ઓનપેપર આપેલાં આંકડાઓ જ આ વાતનો સૌથી મોટો પુરાવો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છેકે, ઉત્સવો પાછળ એક વર્ષમાં 57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એમાંય ખાસ કરીને રણોત્સવ પાછળ અધધ 20.98 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડાઓ મુજબ ગુજરાત સરકારે ઉત્સવો જે ધૂમાડો કર્યો છે એની વિગતો સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પ્રવાસનને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપવાની વાત કરીને સરકાર તેની પાછળ ધૂમ ખર્ચો કરી રહી છે. જોકે, બીજી તરફ વધતી જતી મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ અને આ પરિસ્થિતિમાં પિસાઈ રહેલો ગુજરાતનો સામાન્ય નાગરિક. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં નવરાત્રી ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ સહિતના ઉત્સવો ઉજવવા પાછળ કુલ ૫૭ કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કર્યો છે.


વિધાનસભામાં સરકારે આપેલાં જવાબની વાત કરીએ તો, ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં ઉત્સવોના આયોજન પાછળ રૂ.૫૭ કરોડ ૫ લાખ ૯૧ હજારનો જંગી ખર્ચો કર્યો છે. જેમાંથી ૫૫ કરોડ ૩૧ લાખ ૪૫ હજાર તો માત્ર ડેકોરેશન અને તેને સંલગ્ન સેવાઓ આપનારા જ લઈ ગયા છે. નવાઈની વાત તો એ છેકે, રણોત્સવમાં રૂ.૨૦ કરોડ ૯૮ લાખના ખર્ચા પછી પણ કચ્છનું સફેદ રણ જોવા ખાસ મહેમાનો આવ્યાં નહીં. વિદેશથી આખા વર્ષમાં કચ્છનું સફેદ રણ જોવા માટે માત્ર 465 પ્રવાસીઓ જ આવ્યાં. 
 
નવરાત્રિ ફેસ્ટિવલ, રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, રંગ છે મેઘાણી, ગાંધી જયંતિ મહોત્સવ, ધોળાવિરા ઉત્સવ, આઝાકી કા અમૃત મહોત્સવ, શિવવંદના, તરણેતરનો મેળો, માધવપુર મેળો, રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, ઋષિ વંદના, દશેરા મહોત્સવ અને શ્રી ૫૧ શક્તિપીઠ જેવા અનેક આયોજનોમાં સરકારે ધૂમ ખર્ચ કર્યો.


પ્રવાસનવિભાગે ગૃહમાં માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં માત્ર નવરાત્રિ ફેસ્ટિવલ પાછળ જ રૂ. ૯૯૩ લાખનો ખર્ચ કરાયો હતો જયારે કચ્છમાં રણ ઉત્સવ પાછળ રૂ.૨૦૩૮ લાખ ખર્ચવામાં આવ્યા હતાં. આ જ પ્રમાણે, આઝાદી કા અમૃત મહોત્સવ પાછળરૂ.૬૨૭ લાખનો ધુમાડો કરાયો હતો. માધવપુરના મેળા પાછળ પણ પ્રવાસન વિભાગે રૂ. ૮૦૨ લાખ ખર્ચ્યા હતા.


કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આપેલા જવાબમાં વર્ષ ૨૦૨૧માં રણોત્સવમાં રૂ.૮.૧૬ કરોડનો ખર્ચ કર્યો ત્યારે માત્ર ૭૬ વિદેશી પ્રવાસીઓ જ આવ્યાનું કહેવાયું છે. ચૂંટણીના વર્ષે સરકારે નવરાત્રિ પાછળ બમણો ખર્ચો કર્યો છે. તદ્ઉપરાંત વર્ષ ૨૦૨૨માં માધવપુર તથા દ્વારકાના મેળા પાછળ રૂ.૮ કરોડ અને મેંગો ફેસ્ટિવલ પાછળ રૂ.૧.૬૪ કરોડ જેવી જંગી રકમ ખર્ચાઈ છે. મોટાભાગનો હિસ્સો ડેકેરેશન અને તેને આનુસંગિક સેવાઓ પાછળ વપરાયો છે. એમ બે મહોત્સવને બાદ કરતા શિવવંદના, માધવપુરનો મેળો, મેંગો ફેસ્ટિવલ, અસ્મિતાનો ઉત્સવ, ઋષિ વંદના, ૫૧ શક્તિપીઠ પરિક્રમા એમ કુલ ૬ નવા મહોત્સવો સાથે ૧૩ ઉત્સવોના આયોજન પાછળ રૂ.૩૬.૪૮ કરોડનો ખર્ચો કર્યો હતો. આ બંને વર્ષમાં રૂ.૮૧.૭૨ લાખ ટીવી અને અખબારોમાં જાહેરાત પાછળ, રૂ. ૨૧ લાખ હોટેલ અને રૂ.૭૦:૫૩ લાખ વાહનોના ભાડા પાછળ ખર્ચ થયો છે.


મહત્વની વાત એછેકે, ગુજરાતમાં દેશવિદેશની પ્રવાસીઓ આકર્ષાય તે માટે ખૂબ પ્રયાસો કરાય છે. એટલુ જ નહી, પ્રવાસન વિભાગ ધૂમ ખર્ચ કરાય છે. જાણીને નવાઇ લાગે તેમ છેકે, કરોડો રૂપિયાનો ધુમાડો કરાયા બાદ પણ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં માત્ર ૪૬૫ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. આમ, પ્રવાસન વિભાગવિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ રહ્યુ છે.