ગુજરાતમાં સૌથી વધુ આ પટેલની ચર્ચા! પાટીદાર દિકરીઓને આગામી 25 વર્ષ સુધી 1 રૂપિયામાં ભણાવશે
ભુજમાં હાલ મોમ્બાસાના દાતા હસુભાઈ ભુડિયાની જાહેરાત બાદ નવો ઈતિહાસ રચાયો. શિક્ષણ ક્ષેત્રે આપી દીધું એટલું મોટું દાન કે તમે વિચાર્યું પણ નહીં હોય.
ઝી બ્યૂરો, અમદાવાદઃ પોતાના સમાજને આગળ લાવવા માટે કઈ રીતે મદદ કરી શકાય તેનું ફરી એકવાર પાટીદાર સમાજના એક મોભીએ ઉત્ત્મ ઉદાહરણ આપ્યું છે. આ વખતે વાત છે આફ્રિકાથી ભુજમાં ભામાશા બનીને આવેલાં મોમ્બાસાના દાતા હસુભાઈ ભુડિયાની. જેમણે પાટીદાર સમાજની દિકારીઓના અભ્યાસ માટે આપી દીધું અધધ દાન. જેના થકી હવે પાટીદાર દિકરીઓ આગામી 25 વર્ષ સુધી માત્ર 1 રૂપિયામાં ભણશે, આ તો પટેલ જ કરી શકે!
ઉલ્લેખનીય છેકે, કચ્છના ઇતિહાસમાં વર્ષનો અંતિમ દિવસ સોનેરી અક્ષરોમાં લખાયો છે કારણકે દીકરીઓ ભણી શકે એ માટે દાતાએ 151 કરોડના માતબર રકમની જાહેરાત કરી છે. મૂળ ભુજ તાલુકાના ફોટડીના અને હાલે મોમ્બાસામાં રહેતા દાતા હસમુખભાઈ ભુડિયાએ કરેલી જાહેરાતથી કચ્છી લેવા પટેલ સમાજની દિકરીઓ આગામી 25 વર્ષ સુધી માત્ર 1 રૂપિયાના ટોકનદરે શિક્ષણ મેળવી શકશે. કચ્છનાં જ્ઞાતિય ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં એક પરિવારે 47 એકરના વિશાળ સંકુલમાં 12 જેટલી ઈમારતો બંધાવી સમાજને અપર્ણ કરી છે આ દાતા છે મૂળ ફોટડીના અને હાલે મોમ્બાસામાં રહેતા દાતા હસુભાઈ ભુડિયા.
ભુજમાં હરિપર રોડ પર દાતા પરિવારે બનાવી આપેલ કન્યા રતનધામ અને સુરજ શિક્ષણધામના લોકાર્પણ માટે લેવા પટેલ સમાજ દ્વારા અસ્મિતા પર્વ ઉજવવામાં આવ્યો, જેના અંતિમ દિવસે શિક્ષણ માટે 151 કરોડની જાહેરાત થઈ છે. માતૃશ્રી મેઘભાઈ અને પ્રેમજી જેઠા ભુડિયા, સ્વ.કેશવલાલ પ્રેમજી ભુડીયા,સ્વ.કાનજીભાઈ ભુડિયા,સ્વ. અરવિંદ ભુડિયા, વેલીબેન સહિતના વડીલોની દાન પ્રવાહની સરવાણીને આગળ વધારતા હસુભાઈ ભુડિયા, પુષ્પાબેન ભુડિયા અને સમગ્ર ભુડિયા પરિવાર દ્વારા લક્ષ્મીની મહાગંગા વહેવડાવી શિક્ષણ અને આરોગ્ય માટે બીજા 151 કરોડ રૂપિયાના માતબર રકમની દાનની જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી જાહેરાતને વધાવી હતી.
આ રકમનો આગામી 25 વર્ષ માટે સમાજની કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગ કરવામાં આવશે એટલે કે,આગામી 25 વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો છે તેઓએ માત્ર 1 રૂપિયો ટોકન જ લઈને સમાજની વિદ્યાર્થીનીઓને આગામી 25 વર્ષ સુધી ભણાવશે.