જીવદયાનું જીવંત ઉદાહરણ; સુરતની પરિણીતાએ બનાવ્યું છે બીમાર અને ઘાયલ પક્ષીઓ માટે `સેવાઘર`
એક તરફ આગળ વધવાની દોડમાં ઘણાં લોકો સંબંધોને પણ પાછળ છોડી રહ્યાં છે. ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે જે કોઈપણ સંબંધ કે નિસ્બત વિના સેવાનું કાર્ય કરી રહ્યાં છે. સુરતની પરિણિતાની કહાની પણ કંઈક આવી છે...જે સૌને પ્રેરણા આપે છે...
ચેતન પટેલ, સુરતઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કરી રહેલી પરિણીતાએ બીમાર અને ઘાયલ પક્ષીઓની સેવા માટે પક્ષીઘર બનાવ્યું છે સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા કાજલબેન છેલ્લા ચાર મહિનાથી સુરત શહેરમાં જ્યાં પણ ઇજાગ્રસ્ત પક્ષી અંગે જાણકારી મળે તેમને આ પક્ષી ગ્રહમાં લાવી ડોક્ટરની મદદથી તેમની સારવાર કરાવે છે અને ત્યારબાદ તેમની સેવા કરે છે. પરિવારની કાળજી સાથે સીએ ભણતર કરી રહેલી કાજલ પોતાના વ્યસ્ત દિવસ થી આવી ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે સમય કાઢે છે..
આમ તો અબોલ પક્ષીઓ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે પરંતુ જ્યારે પક્ષીઓ ઇજાગ્રસ્ત અવસ્થામાં મળે ત્યારે સમયસર કોઈ કારણસર તેઓ પહોંચી શકતા નથી. આવી જ ઘટના સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી કાજલ સાથે બની હતી. તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક બાજુ ઇજાગ્રસ્ત હાલતમાં તેમને એક બાજ જોવા મળ્યું હતું. આ બાજુ તેને સારવાર મળી રહે આ માટે તેઓ એક જીવ દયા સંસ્થા ને કોલ પણ કર્યો હતો.
હેલ્પલાઇન નંબર પરથી જણાવવામાં આવ્યું હતું કે અડધો કલાકમાં તેમની ટીમ પહોંચી જશે પરંતુ બે કલાક સુધી ટીમ નહીં પહોંચતા બાજ ની સ્થિતિ જોઈ તેઓએ નક્કી કર્યું હતું કે હવેથી તેઓ આવા અબોલ પક્ષીઓ માટે કાર્ય કરશે જેથી તેઓએ ભાવનાને વંદન જીવ દયા ટ્રસ્ટની સ્થાપના કરી.કાજલે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર મળી શકે આ માટે પક્ષી ઘરની પણ સ્થાપના કરી .હાલ આ પક્ષી ઘરમાં ઇજાગ્રસ્ત 200થી પણ વધુ પક્ષીઓ સારવાર લઈ રહ્યા છે.
કાજલ હાલ સીએ બનવા માટે ભણી રહી છે. સાથે પરિવારને પણ જુએ છે આવા વ્યસ્ત દિનચર્યા માંથી પણ તેઓ આ ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે રોજે સમય કાઢે છે રોજે ચારથી પાંચ કલાક આ ઇજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરવા માટે તેઓ પોતાના પક્ષી ગૃહ માં આવે છે અને પોતાના બાળકોની જેમ તેમની કાળજી લેતા હોય છે. તેમની સારવાર માટે તેઓ ડોક્ટરને પણ બોલાવે છે અને પોતે જ દરેક પક્ષીને પોતાના હાથથી દવા પીવડાવે છે અને લગાવે છે.