મુખ્યમંત્રીએ ઘરે ઘરે જઈ કળશમાં માટી લીધી, દિલ્હીમાં બની રહેલા શહીદ વનમાં કરાશે આ માટીનો ઉપયોગ
મેરી માટી મેરા દેશ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. આઝાદી અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે બોપલ વિસ્તારના નાગરિકોએ મુખ્યમંત્રીને અમૃતકળશ અર્પણ કર્યા.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં "અમૃત કળશ યાત્રા" યોજાઈ હતી. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલી અમૃત કળશ યાત્રા એક બાદ એક પડાવ પસાર કરતી બોપલની ઇન્ડીયા કોલોનીમાં આવી પહોંચી હતી. જ્યાં સોસાયટીના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. બોપલ ના ૨૦૦ થી વધુ સોસાયટી ના ચેરમેન મુખ્યમંત્રીને પોત પોતાના સોસાયટી ની માટી કળશ માં આપી રહ્યા છે 6 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે કાર્યક્રમ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં "માટીને નમન- વીરોને વંદન" નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જેને પગલે સાઉથ બોપલ વિસ્તારની વિવિધ સોસાયટીઓ ચેરમેન તથા અન્ય હોદ્દેદારોએ પોતાના વિસ્તારના ધારાસભ્ય અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલને માટી ભરેલા કલાત્મક કળશ અર્પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ વિભાગોમાંથી આવેલી આ માટી દિલ્હી સ્થિત "અમૃત વાટિકા"માં પધરાવવામાં આવશે. સાથોસાથ આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં હાજર સૌ નાગરિકોએ વડાપ્રધાનશ્રી દ્વારા સૂચિત "પંચ પ્રણ" લીધા હતા. આજના સમારોહમાં અમદાવાદ શહેરના ધારાસભ્ય અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઇ પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડે.મેયર જતીન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.