• રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

  • ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે

  • ૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે

  • ૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે


ગાંધીનગરઃ ગુજરાતના લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે હાથ ધર્યું મોટું મિશન. સરકારના આ હેલ્થ મિશનમાં જોડાશે રાજ્યના લાખો આરોગ્ય કર્મીઓ. ગુજરાત સરકારના કુલ ૧.૩૪ લાખ આરોગ્ય કર્મીઓ ૩૩,૫૦૦ બુથ દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે. ૨૪ અને ૨૫ જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપાં પીવડાવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે ૨૩ જૂન ૨૦૨૪ અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષની વય જૂથના ૮૩ લાખ ૭૨ હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર ૧ લાખ ૩૩ હજાર ૯૫૬ આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના ૩૩,૪૮૯ પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે.


સમગ્ર રાજ્યમાં ૨૩ જૂન ૨૦૨૪ ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તારીખ ૨૪ અને ૨૫ જૂનના દિવસોએ આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને ૦ થી ૫ વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.