Heart Attack: વધુ એક યુવકનું હાર્ટ અટેકથી મોત, અચાનક બેભાન થયા બાદ ન આવ્યું ભાન
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો છે. ગઈકાલે એક જ દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટના સામે આવી હતી. જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા હતા તો એક યુવાનને બચાવી લેવાયો હતો.
Heart Attack News: રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, ગતરાત્રિએ અચાનક બેભાન થઈ ગયો 33 વર્ષીય યુવક, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.
રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે. રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.
રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો છે. ગઈકાલે એક જ દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટના સામે આવી હતી. જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા હતા તો એક યુવાનને બચાવી લેવાયો હતો. મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો હતો.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં અમર રાઠોડ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. ઈચ્છાપોરમાં યુવાન નવરાત્રી નિમિતે માતાજીની મૂર્તિ લેવા ગયો હતો. આ વેળાએ પહેલા છાતીમાં દુખાવો થયો હતો, પણ ત્યારે દવા લીધા બાદ તેને સારૂ થઈ ગયું હતું. જોકે, ત્યારબાદ જ્યારે તે ઘરે આવ્યો ત્યાર બાદ ફરીથી દુખાવો ઉપડ્યો હતો અને તે જીવલેણ સાબિત થતાં યુવકનું મોત નિપજ્યું હતું. પાવાગઢ ડુંગર પર નવરાત્રીને લઈ ભારે ભીડ વચ્ચે યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર આપી તેનો જીવ બચાવી લેવાયો છે. મધ્યપ્રદેશથી માતાજીના દર્શને આવેલા યાત્રિક યુવાનને હાર્ટ એટેક આવવાના લક્ષણો દેખાયા હતા. હાર્ટ એટેક આવ્યાના લક્ષણોને લઈ યુવાનને મંદિર ટ્રસ્ટે ચાલુ કરલા ઈમરજન્સી સેવામાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને સમયે સારવાર આપતા તેનો જીવ બચી ગયો હતો.