• રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૩૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ: સરદાર સરોવર ડેમ ૫૫ ટકાથી વધુ ભરાયો

  • ૧૯ જળાશયો સંપૂર્ણ છલકાયા જયારે ૨૯ જળાશયો ૭૦ ટકાથી વધુ તેમજ ૨૫ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ નીર

  • ગત વર્ષે આ સમયે ૩૭.૧૬ ટકા સામે આ વર્ષે ૪૪.૩૮ ટકા જળાશયો ભરાયા


 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચુકી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ દુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે. ત્યારે ભારે વરસાદને પગલે ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પણ હાલ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૦૩ જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે ૩૭.૧૬ ટકા સામે આ વર્ષે ૪૪.૩૮ ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.


ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. ૨૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ,  ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.
 
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયો ૪૮.૭૨ ટકા, મધ્યગુજરાતના ૧૭ જળાશયો ૩૦.૮૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૫.૩૯ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૫૦.૯૫ ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક ૫૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૩,૦૭૬ કયુસેક, દમણગંગામાં ૬,૮૭૨ અને હિરણ-૨માં ૫,૧૯૯ કયુસેક પાણીનો સમાવેશ થાય છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.