ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં વિકાસના નામે ચારેય તરફ સિમેન્ટ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યાં છે. વૃક્ષો કાપી કાપીને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યાં છે. જંગલની જમીનોને સમતલ બનાવીને ત્યાં રહેણાંક અને કોમર્શિલ બાંધકામો થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં પણ છેલ્લાં 5 સદીથી એટલેકે, છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીગમ ઊભું છે. અને મજાલ છેકે, કોઈ એની એક ડાળ પણ તોડી જાય. આ ઝાડ તો પ્રધાનમંત્રી મોદીનું અતિ પ્રિય છે. કબીરવડ બાદ આ બીજું સૌથી મોટું ઝાડ છે. હાલ આ સ્થળને પર્યટન સ્થળ અને યાત્રાધામમાં પરિવર્તિત કરવા પણ સરકારે પ્રોજેક્ટ હાથ પર લીધો છે. વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે, ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની. કંથારપુર ગામમાં આવેલું છે મહાકાય મહાકાલી વડ. આ વડ પાસે મહાકાળી માતાજીનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર પણ આવેલું છે. એના પરથી જ કંથારપુરના આ વડનું નામ મહાકાળી વડ પડી ગયું છે. તેથી આ વડ મહાકાળી વડ તરીકે જ ઓળખાય છે. તો કોઈ વળી તેને કંથારપુર વડ તરીકે પણ ઓળખે છે. આ વડલો સતત તેનો વ્યાપ વધારીને ખેતરમાં ફેલાય તો પણ ખેડૂતો તેને કાપતા નથી. ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે.  વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડ મુલાકાત અચૂક લેતા હોય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. 


મહાકાળી વડની વિશેષતાઃ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે વિશાળ ઝાડ. આ ઝાડ છે વડનું. આ વડલો અત્યાર સુધી અનેક વડીલોને છાયડો આપી ચુક્યો છે. અને તેણે પણ અનેક તડકી છાયડી જોઈ લીધી છે. મહાકાળી વડ તરીકે ઓળખાતું આ વૃક્ષ ગુજરાતમાં કબીર વડ બાદ બીજું સૌથી મોટું વૃક્ષ છે.  આ વૃક્ષ અંદાજે 500 વર્ષ કરતા પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. 


પીએમ મોદી સાથે જોડાયેલી છે મહાકાળી વડની યાદોઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા. તે સમયે તેઓ પણ આ વૃક્ષના દર્શન કરતા હતા. અને થોડીવાર આ વૃક્ષના છાયડે આ વૃક્ષ નીચે જરૂર બેસતા હતાં.


વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. વડ ન કાપવા બાબતે આસ્થા એવી છે કે સ્થાનિકો માને છે કે કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે. જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત કરતો નથી. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.


વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ મંદિરે અચૂક દર્શન માટે જતા છે. વડાપ્રધાને વડની આસપાસ વિકાસ માટે 4 કરોડ રૂપિયાની જહેરાત કરી હતી. જોકે વહીવટી કારણોસર હજી વડનો વિકાસ થયો નથી. આમ છતાં સ્થાનિકોની માંગણી છે કે વડના આસપાસ વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિકોને રોજગારી મળે.


વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે. ખાસ કરીને નાના બાળકો માટે રમકડાં, પૂજાનો સમાન, ખાણીપીણી જેવા નાના નાના વ્યવસાય થકી લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. મહાકાળી માતાનું મંદિર આવેલું હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ હોય છે, પૂનમ અને તહેવારના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. જ્યારે વિકેન્ડ શહેરી વિસ્તારમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે.