5 લાખની લીડનું `લપકું` મૂકી પાટીલે ચડાવ્યો `પાનો` : મોદી ન કરી શક્યા એ કામનો ઉપાડો લીધો
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. ભાજપ માટે આ ચૂંટણી ખાસ એટલા માટે પણ છેકે, નરેન્દ્ર મોદી આ ચૂંટણી જીતશે તો સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનશે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો જીતવા સીઆર પાટીલે ભાજપના કાર્યકરોને એવો ટાર્ગેટ આપ્યો છે જે આજ સુધી કોઈ પાર પાડી શક્યું નથી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. 1 ડિસેમ્બરથી ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. 2014માં અને 2019માં ભાજપે 26માંથી 26 બેઠકો જીતીને ભાજપને વનવે જીત અપાવી છે પણ 2024માં ભાજપનો ટાર્ગેટ દરેક સીટ 5 લાખની લડીથી જીતવાનો મહાસંકલ્પ કર્યો છે. આ માટે પાટીલે પંચાયત, પાલિકા, મહાનગરો, ધારાસભ્યો, સાંસદો અને પેજ કમિટીના સભ્યોને સંપર્ક પ્રવાસ શરૂ કરવા માટે આદેશો કર્યા છે. પાટીલે લોકસભાની સીટ માટે સીધી ચેતવણી આપી છે કે જેમનું બુથ માઈનસમાં હશે એવા કોઈ પણ કાર્યકરને ટિકિટ મળશે નહીં.
પાટીલ હાલમાં લોકસભાની દરેક સીટ પરથી 5 લાખની લીડથી જીતવાનો દાવો કરી રહ્યાં છે. આ અંગે રાજકીય સૂત્રો કહે છેકે કોન્ફીડન્સ સારો છે પણ ઓવર કોન્ફિડન્સ પણ ન હોવો જોઈએ. એ સારી બાબત છે કે ટાર્ગેટ જ ઊંચો હશે તો હારનો તો સવાલ નથી, ભાજપ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાંથી 26માંથી 26 કમળ ચૂંટીને ફરી દિલ્હી મોકલવા માગે છે. પાટીલ છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડથી જીત્યા છે પણ દરેક સીટ પર એ રીપિટ થાય એ અશક્ય છે.
લોકસભા ચૂંટણીની તૈયારીઓઃ
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પુરૂ થતાં જ ભાજપ હવે લોકસભાની તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાતમાં સતત બેઠકો થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીલની રાહબરી હેઠળ ભાજપે 156 સીટો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મહેનત અને નસીબ હોય તો કંઈ પણ શક્ય છે. પાટીલ ગુજરાતમાં બીજી પાર્ટીઓની ડિપોજિટ પણ ડૂલ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. ગુજરાતમાં ભાજપનો દબદબો છે. સંગઠન ક્ષેત્રે નક્કર કામગીરીને પગલે ભાજપ કોઈ પણ સીટ પર જીતવાનો દાવો કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં આ વર્ષે ભારે રસાકસી રહે તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો જીતવાની ભાજપ હેટ્રીક લગાવવા માગે છે.
2019માં ચાર બેઠક પર જ 5 લાખથી વધુના માર્જિનથી જીત-
પાટીલ ભલે 2024ની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માગે છે પણ ભૂતકાળ જોઈએ તો આ ક્યારેય શક્ય બન્યું નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના જે ચાર ઉમેદવારો પાંચ લાખ મતોથી વધુની લીડ સાથે જીત્યા હતા. તેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 5 લાખ 57 હજાર 14 મતોની લીડ સાથે જીત્યા હતા. વડોદરાથી રંજનબેન ભટ્ટ 5 લાખ 89 હજાર 177 મતોની લીડ સાથે, સુરતથી દર્શનાબેન જરદોષ 5 લાખ 48 હજાર 230 મતોની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ 6 લાખ 189 હજાર 668 મતોની લીડ સાથે જીત્યા હતા. જે ફક્ત ગુજરાત નહીં પણ દેશના ઈતિહાસમાં સૌથી મોટી લીડ છે.
શું હતી 2014ની પરિસ્થિતિ?
જોકે, ૨૦૧૪માં ભાજપના ત્રણ જ ઉમેદવારની પાંચ લાખથી વધુની લીડ હતી. એમાં વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્ર મોદી વડોદરાથી 5 લાખ 70 હજાર 28 મતોની લીડ સાથે જીત્યા હતા. સુરતથી દર્શનાબેન જરદોષ 5 લાખ 33 હજાર 190 મતની લીડ સાથે અને નવસારીથી સી આર પાટીલ ડ લાખ 58 હજાર 116 મતોની લીડ સાથે જીત્યા હતા. પાટીલે 2019માં પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. હવે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતની તમામ બેઠકો પર એક નવો રેકોર્ડ સર્જવા માગે છે.