Ahmedabad Metro Close : અમદાવાદમાં મેટ્રો રેલ શરૂ થયા બાદ એક અલગ જ રોનક આવી ગઈ છે. બહારથી આવનારા લોકો પણ અમદાવાદમાં મેટ્રોનો સફર જરૂરથી માણે છે. બીજી તરફ અમદાવાદીઓને પણ મેટ્રોની મુસાફરી રાસ આવી ગઈ છે. સાવ સસ્તા ભાડામાં અમદાવાદીઓ મેટ્રોમાં ફોરેન જેવી ફિલિંગ સાથે પોતાના નિયત સ્થળ સુધી પહોંચી શકે છે. જોકે, આજે અમદાવાદીઓને બપોરના ત્રણ કલાક આ મુસાફરીનો આનંદ માણવા નહીં મળે. કારણકે, નવા સ્ટેશનને ખુલ્લા મુકતા પહેલાં તમામ પ્રકારની ટેકનિકલ તપાસ કરવાની હોવાથી આજે મેટ્રો રેલનો એક રૂટ બપોરે 2 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના કાંકરિયા મેટ્રો સ્ટેશનના ઈન્સ્પેક્શનને લઈ આજે વસ્ત્રાલથી થલતેજ મેટ્રો બપોરે 2 થી 5 વાગ્યા સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. અહીં આ માહિતી ખાસ એટલા માટે આપવામાં આવી છેકે, આ સમયગાળામાં મેટ્રોમાં મુસાફરી કરતા નોકરિયાતો, ધંધાર્થીઓ અને અન્ય મુસાફરોને કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે. મહત્વનું છે કે, મેટ્રોના કાંકરિયા ઈસ્ટ સ્ટેશનનુ કામ પુર્ણ થયુ હોવાથી હવે નવુ સ્ટેશન ખુલ્લુ મુકતા પહેલા ઈન્સ્પેક્શન કરાશે. 


ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડતા વસ્ત્રાલથી થલતેજના રૂટ પરની મેટ્રો રેલ સેવા આજે એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. મેટ્રો રેલ કોર્પોરેશન મુજબ અમદાવાદ શહેરમાં પૂર્વ, પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો રેલ દોડી રહી છે જેનો સમય સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે.


આ તરફ હવે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કાંકરિયા પૂર્વ મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જે હવે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં આ સ્ટેશન લોકો માટે ખુલ્લું મૂકવાના છે. જેને લઈ હવે મેટ્રો રેલ સુરક્ષાના કમિશ્નર દ્વારા સ્ટેશનની મુલાકાત લઈ તમામ બાબતોની ચકાસણી કરવાની હોવાથી પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દોડતી વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીની મેટ્રો રેલ સેવા 13 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આજે છેલ્લી ટ્રેન બપોરે 1 વાગે બંને સ્ટેશન પરથી ઉપડશે.