ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં ભાજપે ઓપરેશન લોટસની શરૂઆત કરી દીધી છે. ભાજપ નબળી સીટ પર મજબૂત નેતાઓને લાવી સીટને મજબૂત કરવા માગે છે. ગુજરાતમાં એક જ સપ્તાહમાં આપના અને એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આ બંને નેતાઓનો ખેલ પાડવા પાછળ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો હાથ હોવાની ચર્ચા છે. ભરત બોઘરા એ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો ગણાય છે. જેઓ PM મોદીને આટકોટ બોલાવી પોતાની ક્ષમતા દર્શાવી હતી. બોઘરા પાટીલના ખાસ નજીકના ગણાય છે. સૌરાષ્ટ્રમાં રૂપાણીનો દબદબો ઘટાડવા પાટીલે રચેલી ધરીમાં બોઘરાનો સિંહફાળો છે. ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલનો ખેલ તેમને પાડયો હોવાની ચર્ચાઓ વચ્ચે લોકસભાની રાજકોટ સીટ પર તેમની દાવેદારી મજબૂત બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંભાતના ધારાસભ્યનો ખેલ પાડ્યોઃ
ભૂપત ભાયાણીના રાજીનામા સમયે પણ ભરત બોઘરા હાજર હતા. જૂનાગઢની લોકસભા બેઠક માટે આપના ભૂપત ભાયાણીને ભાજપમાં લાવવાની તૈયારીઓ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. હવે કમૂરતા ઉતરતાં જ આ બંને નેતાઓ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. ખંભાતના ચીરાગ પટેલને પણ રાજીનામું અપાવવા પાછળ બોઘરાનો રોલ છે. કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો છે. રાજસ્થાનમાં ચીરાગ પટેલનો મોટો ધંધો છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર છે. રાજસ્થાનમાં ધંધો દાવ પર લાગે એ પહેલાં ચિરાગ પટેલે પાટલી બદલી દેવાનો નિર્ણય લીધો છે. 


પાટીલના નજીકના ગણાય છે આ નેતાઃ
ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે. એમાં પણ રાજકોટ એ સૌરાષ્ટ્ર અને રાજકારણનું એપી સેન્ટર છે. ભરત બોઘરાએ મોદીને આટકોટ લાવી પોતાની ક્ષમતા દર્શાવી હતી. પાટીલની નજીક હોવાથી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બનવાના દાવેદાર હતા પણ પાટીલે જસદણની બેઠક પર સીટ માગવાની તો ચોખ્ખી ના પાડી હતી. જેઓએ રાજકોટની બેઠક પર કરેલા પ્રયાસો પણ ફળ્યા ન હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થિના ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને ભાજપ ટિકિટ આપી હતી. હવે બોઘરાને રાજકોટની બેઠકના દાવેદાર ગણાય છે.  હાલમાં રાજકોટની સીટ એ ભાજપના હાથમાં છે. અહીંથી કડવા પાટીદાર એવા મોહન કુંડારીયા સાંસદ છે. જેઓ એકવાર કેન્દ્રીય મંત્રી પણ બની ચૂક્યા છે. ભાજપ આ સીટ પર મોહન કુંડારિયાને રિપિટ કરે તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.  


કુંવજી સાથે ચર્ચામાં હતુ નામઃ
કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા આ બે નામ એક સમયે જસદણ વિધાનસભામાં ખૂબ જ મહત્વના અને શક્તિશાળી મનાતા હતા. કુવરજી બાવળીયા સાથે ખૂબ જ નિકટના સંબંધો ધરાવનાર ડૉ.ભરત બોઘરા કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયા ત્યાર બાદની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયા સામે ચૂંટણી હારી ગયા હતા. પરંતુ આજે ડો.ભરત બોઘરા વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હોવાની સાથે રાજકોટ લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 


વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે આ હોસ્પિટલના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ ખાતે આવ્યા હતા. ત્યારે પણ બોઘરાનું કદ વધ્યું હતું. ત્યારબાદ જસદણ ખાતે નિર્માણ પામેલી કેડી પરવડીયા હોસ્પિટલમાં અધતન લેબનું લોકાર્પણ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી લેખિત માડી ગરબા ઉપર એક લાખ લોકોએ ગરબા રમ્યા હતા. જેમાં બોઘરાની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. બોઘરા એ મોદીની ગુડબુકમાં છે અને સીઆર પાટીલની પણ નજીક છે. ઓપરેશન લોટસમાં તેમના નામની ચર્ચાને પગલે એ સાબિત થઈ ગયું છે કે સૌરાષ્ટ્રમાં પાવર સેન્ટર બદલાઈ ગયું છે.