ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. અમદાવાદમાં સરકાર દ્વારા ટ્રાફિક વાળા વિવિધ જંક્શનોને આઈડેન્ટીફાય કરવામાં આવી રહ્યાં છે. સરવે પણ થઈ રહ્યો છે. જ્યાં વધારે જરૂરિયાત જણાય છે તેવી જગ્યાએ ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિકથી ભરચક રહેતા પોશ વિસ્તારમાં બે ફ્લાય ઓવર બ્રિજ બનવા જઈ રહ્યાં છે. જેને કારણે ટ્રાફિકની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ મળશે એવી આશા લેવાઈ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે-
•    ૬૫૨ મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ થશે.
•    ૭૭૯ મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર અંદાજે રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે બનશે.


જાણો ક્યાં બનશે નવા ફ્લાય ઓવર બ્રિજ?
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦ ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૭ બ્રિજના રૂ. ૬૧૨.૮૬ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


તદઅનુસાર, ૬૫૨ મીટર લંબાઈ સાથે ૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે. પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે ૭૭૯.૧૯ મીટર લંબાઈ ધરાવતો અને ૧૭ મીટર પહોળો બ્રિજ હશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં ૭૫ ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં ૨૦ ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના ૭ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. ૬૧૨.૮૬ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.


હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.


આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડનું બજેટ ફાળવાયું છે.


મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.