ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં લાંબા સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલતી આવે છે. છેલ્લાં કેટલાંય સમયથી બર્થ ડે હોય કે મેરેજ એનિવર્સરી લોકો 5000 થી 15000 હજાર રૂપિયા સુધીની રકમ ખર્ચીને રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણતા હતાં. સાબરમતીમાં સિંગાપોરનો નજારો ઉતારવાનું સરકારનું વર્ષો જુનુ સપનું પણ રહ્યું છે. અગાઉ સત્તાધીશો વારંવાર આવી વિકાસની વાતો કરતા રહ્યાં છે. જોકે, હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું કે, ભાઈ આ રિવરફ્રન્ટ બોટિંગ માટે તો પોલીસ ક્લિયરન્સ લેવું પડે! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટિંગ માટેનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તો આપણી પાસે છે નહીં એટલે હાલ પુરતું આપણે સાબરમતી રિવરફ્રન્ટમાં બોટિંગ બંધ કરવું પડશે. છેને બાકી આપણી મહાન મહાનગર પાલિકા અને એના મહાન સત્તાધીશો. સવાલ એ પણ થાય કે અત્યાર સુધી શું અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર ઘોરતું હતું? અત્યાર સુધી જે લોકો આ બોટમાં બેસીને ફર્યા એમની સુરક્ષાનું શું? કોઈ ઘટના બની હોત તો કોણ જવાબદાર? અને અચાનક એએમસીને કેમ યાદ આવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ બોટિંગમાં પોલીસ ક્લિયરન્સ નથી? અત્યાર સુધી કોની રહેમનજર હેઠળ આ બોટિંગ ચાલતુ હતું?


ઉલ્લેખનીય છેકે, હાલમાં જ સ્કૂલના પ્રવાસ દરમિયાન વડોદરમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં વડોદરાના હરણી તળાવમાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૈસા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતાં. આ દુર્ઘટનામાં પણ બોટની કેપેસિટી કરતા બમણાંથી પણ વધારે લોકો એમાં સવાર થયા હતાં. હાલ સરકારે આ મામલમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવીને કડાક તપાસના આદેશ કર્યા છે. આ બધુ જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગ હેઠળ રેલો આવ્યો છેકે, આપણો વારો પણ આવી શકે છે. એટલે આ સુતેલું તંત્ર અચાનક જાગી ઉઠ્યું છે.


બીજી તરફ વાત એવી પણ સામે આવી છેકે, હાલ અમદાવાદ રિવરફ્રન્ટમાં બોટિંગ માટે પ્રવાસીઓની સુરક્ષા સંબંધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ પોલીસ ક્લિયરન્સ નહતું એટલે બોટિંગ બંધ કરવામાં આવ્યું છે. તંત્રના નિર્ણય બાદ ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ ન કરાઈ ?
કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચુપકીદી સેવાઈ ?? પોલીસ ક્લિયરન્સ નહતું , તો બોટિંગ એક્ટિવિટી કેમ ચાલુ રખાઈ ?? હંમેશાની જેમ આવા અનેક સવાલોના ઘેરામાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘેરાયેલું છે. તેથી જ હવે તંત્ર પોતાના બચાવ માટે ઘોડા છૂટી ગયા બાદ તબેલાની તાળા મારવા જેવી વાત કરી રહ્યું છે.