બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરની પેપર મીલમાં ગૂંગળામણથી 3 કામદારોના મોત
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગૂંગળામણની અસર થઈ હતી. ત્યાર બાદ તેમાંથી ત્રણ લોકોના આ ઘટનામાં મોત નીપજ્યાં છે. અસરગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે લઈ જવાયા છે. હજુ પણ આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર ડીસાઈ હાઈવે પરની એક મીલમાં બનેલી દુર્ઘટનાએ નિર્દોષ લોકોનો ભોગ લીધો. પેપર મીલમાં ગૂંગળામણને કારણે 3 મજૂર કામદારોના મોત થયા હોવાની ખબર સામે આવી. આખરે કઈ રીતે બની આ ઘટના? આ ઘટનામાં કોઈ બેદરકારી આવી છે સામે? શું તંત્ર દ્વારા લેવામાં આવશે કોઈ પગલાં? જાણીએ વિગતવાર માહિતી...
પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા ગામ પાસેની 20 વર્ષ જૂની મહેશ્વરી પેપર મીલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ (નાના કુવાઓ) બનાવવામાં આવી છે ,જ્યાં એક મજુર એક કૂંડીમાં નીચે પડી ગયો હતો જ્યાં સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજુર બેહોશ થઈ ગયો હતો અન્ય મજુર તેને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો અને તે પણ ગુંગળામણથી બેહોશ થઈ ગયો હતો.
જ્યારે આ દુર્ઘટના અંગેની જાણ થઈ કે તુરંત જ 108 એમ્બ્યુલન્સ વાન અને ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી દરમિયાન અન્ય બે મજૂરો પણ ફાયર વિભાગની સાથે મદદમાં ત્યાં જતા તેમને પણ ગુંગળામણની અસર થવા લાગી હતી. જેથી તે બંનેને 108 એમ્બ્યુલન્સ વાનમાં તુરંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ફાયર વિભાગના ફરજ પરનો કર્મી સેફટીના સાધનો સાથે અંદર ઉતરી એક પછી એક બે અને બહાર નીકળ્યા હતા પરંતુ બંને બેભાન હાલતમાં હતા જ્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.