ગુજરાતના આ શહેરમાં ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત
પોલીસ તેમજ આર. ટી. ઓ વિભાગના અંતરીક સરવેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મૃત્યુદર વધવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સતત વધી રહ્યું છે અકસ્માતોનું પ્રમાણ. શહેરોની સાથે સાથે જિલ્લાઓમાં પણ હવે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખાસ કરીને દ્વિચક્રી વાહનો એટલેકે, ટુ વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનાર વ્યક્તિના જીવનું જોખમ વઘી ગયું છે. છાશવારે થતા રોડ અકસ્માતોમાં સૌથી વધારે ડેથનો આંકડો ટુવ્હીલર ચાલકોને જ સામે આવતો હોય છે. આમ ટુ વ્હીલર ચાલકોના માથે રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે મોતનું મોટું જોખમ તોળાઈ રહ્યું હોય છે. જે પગલે પોલીસ તંત્ર દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
અહીં વાત થઈ રહી છે રાજ્યના દાહોદ જિલ્લાની. દાહોદ જિલ્લામાં બનતા અકસ્માતી ઘટના રોકવા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવો નિર્ણય ગુજરાતના આ એક માત્ર જિલ્લામાં જ લેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છેકે, દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકો અને તેમની પાછળ બેસેલી વ્યક્તિઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. રાજ્યના દાહોદ જિલ્લામાં છેલ્લાં કેટલાં સમયથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જ જિલ્લા પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ દ્વારા કડક પગલાં લેવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે.
સરવેમાં સામે આવી ચોંકાવનારી હકીકતઃ
પોલીસ તેમજ આર. ટી. ઓ વિભાગના અંતરીક સરવેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મૃત્યુદર વધવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડી છે જેમાં હવેથી મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દાહોદ જિલ્લામાં તમામ દ્વિચક્રી વાહન ચાલકો તેમજ વાહનોની પાછળ બેસેલા વ્યક્તિને હેલ્મેટ પહેરવો ફરજિયાત રહેશે.
જાણો શું છે નવો નિયમ?
જો કોઈપણ વાહન ચાલક અથવા પાછળ બેસેલો વ્યક્તિ હેલ્મેટ વગર જોવા મળશે તો તે વાહન ચાલકનું લાઇસન્સ ત્રણ માસ માટે રદ કરાશે. ત્યારબાદ એ વાહન ચાલક નું લાયસન્સ ભરત થયેલું હશે અને તે ફરીથી વગર વાહન ચલાવતો પકડાશે તો તેનું લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. એકવાર લાયસન્સ રદ થયા બાદ નવેસરથી વાહન ચાલકનું લાયસન્સ ઇસ્યુ થશે નહીં. તેવા પ્રકારની કાર્યવાહી મોટર વાહન એક્ટ અધિનિયમ 1988 ની કલમ 129 મુજબ કાર્યવાહીનો સામનો કરી શકે છે.