તૈયારી શરૂ કરી દેજો, તમારે લોકસભા લડવાની છે! જાણો કોંગ્રેસમાંથી કોને-કોને આવ્યો આવો ફોન
Lok Sabha Election 2024: કોંગ્રેસમાં લોકસભા માટે નામ નક્કી હોય એવા ઉમેદવારોને ઉપરથી આવવા લાગ્યા ફોન! એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાંથી મજબૂત ઉમેદવારોની કરવામાં આવી રહી છે પસંદગી. આ વખતે બદલાઈ ગઈ છે પસંદગીની પેર્ટન. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા બાદ થઈ શકે છે સત્તાવાર જાહેરાત.
ગૌરવ પટેલ, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને હવે ભાજપ-કોંગ્રેસ બન્નેએ શસ્ત્રો સજ્જ કરી દીધાં છે. એક તરફ ભાજપે લોકસભા માટે પહેલી યાદી જાહેર કરીને પોતાનો હાથ ઉપર રાખ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ હવે ગુજરાતમાં લોકસભા માટે જે ઉમેદવારોના નામ નક્કી છે તેવા નેતાઓને ઉપરથી ફોન આવવા લાગ્યાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત લોકસભા માટે જેમની પસંદગી કરાઈ છે તેમને ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક એક કરીને જાણ કરવામાં આવી રહી છે.
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઇ મહત્વના સમાચારઃ
ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે સૌથી પહેલાં જે નામ પસંદ કર્યું છે એ એક મહિલા ઉમેદવાર છે. અહીં વાત થઈ રહી છે બનાસકાંઠાથી મહિલા ખેડૂત નેતા ગેની બેન ઠાકોરની. ગેનીબેન ઠાકોર હાલ કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમને લોકસભાની ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફોન મારફતે જાણ કરી દેવાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. જેને પગલે હાલ ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે.
ઔપચારિક જાહેરાત બાકી:
બીજી તરફ ગેનીબેન બાદ કોંગ્રેસે વલસાડ માટે પણ એક મજબૂત નામની પસંદગી કરી દીધી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ. જ્યારે અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ માનવામાં આવે છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત થશે. આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહિવત છે.
બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડશેઃ
લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે. આ દરમિયાન બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી હોવાનો દાવો કોંગ્રેસ પ્રમુખે કર્યો હોતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે, MLA ગેનીબે ઠાકોરે પોતાનો દાવો રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની દીયોદરમાં બેઠક મળી હતી. આ દરમિયાન જિલ્લા કોંગ્રેસના પ્રમુખે નિવેદન કર્યુ હતુ કે, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી લડવાની દાવેદારી કરી ચૂક્યા છે. પ્રમુખે બેઠક દરમિયાન નિવેદન કરતા કહ્યુ હતુ કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીના ઉમેદવાર હશે.