પાડાના વાંકે પખાલીને ડામ! સ્કૂલોના પાપે પાંચ હજારથી વધુ ગરીબો બાળકોનું ભાવિ રામભરોસે
અમદાવાદ શહેરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા ૯૦ હજાર જેટલા બાળકોમાંથી ૧૫ હજાર બાળકોની હાજરી ૮૦ ટકાથી ઓછી થતી હોવાથી તેઓને રૂ.૩,૦૦૦ લેખે મળતી સહાય ચુકવવામાં આવી નહોતી. ૧૫ હજારમાંથી અંદાજે ૫ હજાર જેટલા બાળકો માત્ર સ્કૂલોના પાપે જ સહાયથી વંચિત રહ્યાં છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને ઉચ્ચ શિક્ષણ અને આધુનિક યુગની વાતો થાય છે. પણ હકીકત સાવ કંઈક અલગ જ છે. આરટીઈ અંતર્ગત સ્કૂલમાં બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયામાં સ્કૂલોએ છબરડો કર્યો અને તેના લીધા હજારો બાળકોનું ભાવિ હાલ અદ્ધરતાલ થઈ ગયું છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 80 ટકા હાજરી ફરજિયાત કરાઈ હતી. જેમાં સ્કૂલોએ જ મોટો છબરડો કર્યો છે.
ઉલ્લેખનીયછેકે, ગુજરાતના વિકાસ મોડલની વાત થાય છે અને એ વિકાસ મોડલ દેશમાં લાગુ કરીને ભારત વિશ્વ ગુરુ બનવાની વાતો કરે છે. દેશના વિકાસમાં ગુજરાતને ગ્રોથ એન્જીન ગણાવાય છે. આ બધુ કહેવામાં કેટલું સારું લાગે છે, પણ પાયાની સુવિધાઓમાં પણ આપણે કેટલાં પાછળ છીએ તે પણ જોવા જેવું છે. શિક્ષણની વાત કરીએ તો સ્કૂલોના પાપે હાલ પાંચ હજારથી વધારે ગરીબ બાળકો આરટીઈની સહાયથી વંચિત રહી ગયા છે. સ્કૂલોએ છબરડો કર્યો, ૮૦ ટકાથી વધુ હાજરી હોવાથી હવે સહાય મળશે.
બાળકને મળતી સહાયમાં ૮૦ ટકા હાજરીનો મુદ્દો દૂર કરવા માગ કરાઈઃ
આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવતાં બાળકોને રૂ.૩ હજાર લેખે સ્ટેશનરી સહાય ચુકવવામાં આવે છે તેમાં ૮૦ ટકા હાજરી હોવી ફરજિયાત છે. ૮૦ ટકા હાજરી ન થતી હોય તે બાળકો સહાય મળવાનેપાત્ર રહેતા નથી. જેથી શિક્ષણ વિભાગ સમક્ષ માગ ઉઠી છે કે, સ્ટેશનરી પેટે મળતી સહાયમાં ૮૦ ટકા હાજરીનો આગ્રહ રાખવો ન જોઈએ.
અમદાવાદ શહેરમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલા ૯૦ હજાર જેટલા બાળકોમાંથી ૧૫ હજાર બાળકોની હાજરી ૮૦ ટકાથી ઓછી થતી હોવાથી તેઓને રૂ.૩,૦૦૦ લેખે મળતી સહાય ચુકવવામાં આવી નહોતી. ૧૫ હજારમાંથી અંદાજે ૫ હજાર જેટલા બાળકો માત્ર સ્કૂલોના પાપે જ સહાયથી વંચિત રહ્યાં છે. DEO કચેરી દ્વારા ક્રોસ વેરિફિકેશન કરાવતાં સ્કૂલોએ રજૂ કરેલ હાજરીની વિગતમા છબરડો કર્યો હોવાનું સામે આવ્યું છે. હકીકતમાં ૫ હજાર જેટલા બાળકો એવા છે કે જેઓની હાજરી ૮૦ ટકા કરતાં વધુ થાય છે.
જેથી હવે આ બાળકોને સહાય ચૂકવવા માટે DEO કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. હાજરીની વિગતોમાં છબરડો કરનારી અંદાજે ૧૫૦ જેટલી શાળાઓને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે કે, હવે પછી આ પ્રકારની ભુલ આચરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. દરમિયાન અંદાજે ૫ હજાર જેટલા બાળકોની હાજરીની વિગતો રજૂ કરવામાં છબરડો થયો હોવાનું ખુદ સ્કૂલો દ્વારા જ કબૂલવામાં આવ્યું છે. જેથી DEO દ્વારા હવે આ બાળકોને સહાય આપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.