દીપડાના ડરથી પાણી વાળવા રાત્રે ખેતરમાં નથી જઈ શકતા ખેડૂતો, દિવસે વીજળી આપવા માગ
રાત્રે ખેતરોમાં દીપડાની દહેશત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવામાં ભારે ડર લાગે છે. એટલું નહીં રાત્રે ખેતરમાં લાઈટના હોવાને કારણે ગામમાંથી ઘણાં ખેડૂતોએ પાણી વાળવા જવાનું જ બંધ કરી દીધું છે.
નરેશ ભાલીયા, રાજકોટઃ ગુજરાત એક ખેતીપ્રદાન રાજ્ય છે. જોકે, તેમ છતાં આજે પણ રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી ઘણાં ગામડાંઓ એવા છે જ્યાં દિવસને બદલે રાત્રે જ વિજળી મળી શકે છે. આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા વર્ષો જૂની છે. ત્યારે ફરી એકવાર રાજ્યના રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આ અંગે સરકાર સામે બાંયો ચઢાવી છે. રાત્રે ખેતરોમાં દીપડાની દહેશત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવામાં ભારે ડર લાગે છે.
એટલું નહીં રાત્રે ખેતરમાં લાઈટના હોવાને કારણે ગામમાંથી ઘણાં ખેડૂતોએ પાણી વાળવા જવાનું જ બંધ કરી દીધું છે. કારણે એ કામ બાકી રહી જાય છે. તેથી ખેડૂતો સરકાર પાસે દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યાં છે. ઠંડી અને વન્ય પ્રાણીઓના ભય વચ્ચે પાણી વાળવાની ખેડૂતોની મજબુરી બની ગઈ છે. જોકે, તેની સામે જીવનું જોખમ પણ રહેલું છે. દીપડાએ હુમલો કરતા ખેત મજૂરોનું ભયથી પલાયન થઈ રહ્યું છે. બને એટલી જલ્દી દિવસે વીજળી આપવાની માગ કરાઈ છે.
રાજકોટમાં જંગલી પ્રાણીઓના હુમલાના ડર વચ્ચે ખેડૂતો રવિ પાકને પિયત આપવા જવા માટે મજબૂર થયા છે. કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો રાત્રે પાણી વાળવા જઈ રહ્યા છે અને એમાં પણ એકધારો વીજ પ્રવાહ ન મળતો હોવાથી ખેડૂતો વધારે પરેશાન થઈ રહ્યા છે..થોડા દિવસ પહેલા દીપડાએ ખેત મજૂર પર હુમલો કરતા ડર વધ્યો છે. ખેત મજૂરો જંગલી પ્રાણીઓના હુમલાના ભયથી પલાયન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, હમણાં 3 દિવસ પહેલાં જ જેતપુરના થાણાગાલોર ગામમાં ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને ઇજા પહોંચી હતી, જેને કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો છે અને મજૂરો પલાયન કરવા લાગ્યા છે. જેથી ખેડૂતો માટે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે એક પાંજરું પણ ગોઠવ્યું છે. ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલા અને અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ કરી હતી.