ગાંધીનગરઃ શું તમે પણ તમારું મકાન કે દુકાન ભાડે આપવા માંગો છો? મકાન કે દુકાન ભાડે આપવાની ગણતરી હોય તો સૌથી પહેલાં જાણી લેજો આ સમાચાર. કારણકે, આ બદલાઈ ગયા છે નિયમો. ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ (અમલ ચાલુ રાખવા અને સુધારા બાબત) વિધેયક-૨૦૨૪ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ અધિનિયમની મુદ્દત તા.૩૧/૩/૨૦૨૧ના રોજ પૂર્ણ થતાં પશ્ચાદવર્તી અસર તા.૧/૪/૨૦૨૧ થી તા.૩૧/૩/૨૦૨૬ (પાંચ વર્ષ‌)સુધી જોગવાઈઓ આમલી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાઈ ગયો છે આ નિયમઃ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ (અમલ ચાલુ રાખવા અને સુધારા બાબત) વિધેયક-૨૦૨૪ રજૂ કર્યું હતું. જેને ગ્રુહમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરાયું હતું. આ અધિનિયમની જોગવાઇ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડુ નક્કી કરવા અંગેની જોગવાઈ છે. મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે બન્નેની સહમતિથી નિર્ધારીત શરતોના આધીન કરાર મુજબ મકાન ભાડે આપવામાં આવે અને મકાન ભાડે રાખવામાં આવે છે. મકાન માલિક અને ભાડૂઆત બંનેને પોતાની શરતો પ્રમાણે અને પોતાની જરૂરીયાત મુજબ મકાન ભાડે આપી શકે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા ઉપર નિયંત્રણ લાવી શકાય તે માટે હોટલો અને નિવાસગૃહના દરો પર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અમલમાં મૂકવામાં આવેલ છે. 


અગાઉ શું હતો નિયમઃ
છેલ્લે આ અધિનિયમ માં વર્ષ-૨૦૧૧ માં સુધારો લાવવામાં આવ્યો હતો. જેમાં અધિનિયમની મુદ્દત વર્ષ ૧/૪/૨૦૧૧થી તા.૩૧/૩/૨૦૨૧ દસ (૧૦) વર્ષ  સુધી લંબાવવામાં આવી હતી. મુંબઇ ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭ એ મર્યાદિત સમયગાળાની અવધિ ધરાવતો અધિનિયમ છે. જેની મુદ્દત તા.૩૧/૩/૨૦૨૧ના રોજ પૂર્ણ થતાં આ અધિનિયમ ની જોગવાઈઓ કલમ 3 ની પેટા કલમ(૩)ની જોગવાઈઓ અનુસાર ઈન-ઓપરેટીવ થયેલ હોવાથી આ અધિનિયમને પુન:જિવીત કરવાનો રહે છે. સમયમર્યાદા પૂર્ણ થવાથી રદ્દ થયેલ અધિનિયમને માત્ર સુધારા અધિનિયમ તરીકેની કાર્યવાહી કરી કાયદાકીય રીતે પુન:જિવીત કરી શકાતો નથી. 


આથી, આ અધિનિયમને પુન:જિવીત કરવા માટે “ ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ (અમલ ચાલુ રાખવા અને સુધારા બાબત) વિધેયક-૨૦૨૪” તરીકે અમલમાં લાવવાનો રહે છે. જેથી પશ્ચાદવર્તી અસર તા.૧/૪/૨૦૨૧ થી તા.૩૧/૩/૨૦૨૬ (પાંચ વર્ષ‌)સુધી જોગવાઈઓ અમલી કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું.