Journalist Welfare Fund: ગુજરાત મીડિયા ક્લબે બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, GMCએ 1 કરોડના 'વેલ્ફેર ફંડ'ની દરખાસ્તને મંજૂરી આપી છે. જેનો ઉદ્દેશ્ય ક્લબના પત્રકાર અને તેમના પરિવારના સભ્યો માટે છે. આ બાબતે યોગ્ય વિચાર-વિમર્શ કર્યા બાદ, ક્લબ દ્વારા નક્કી કરેલ વેલ્ફેર ફંડની જોગવાઈ કરવા બોર્ડ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકારો અને તેમના પરિવારો માટે નાણાંકિય સહાયઃ
નવા શરૂ કરાયેલા વેલ્ફેર ફંડ હેઠળ, ક્લબ દ્વારા પહેલાથી જ સહાયની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જ અવસાન પામેલ પત્રકારોના પરિવાર માટે નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. ક્લબ દ્વારા સુરત સ્થિત ટીવી પત્રકાર સ્વર્ગસ્થ આનંદ પટ્ટણી અને અમદાવાદ સ્થિત ન્યૂઝ પોર્ટલ સાથે કામ કરતા ન્યૂઝ કેમેરામેન નીતિન ગાયકવાડના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.


આકસ્મિક અવસાનમાં કરાશે 1 લાખ રૂપિયાની મદદઃ
આ 1 કરોડ રૂપિયાના વેલ્ફેર ફંડનો ઉપયોગ ક્લબના સભ્યના અવસાનના કિસ્સામાં અથવા તેમના પરિવારના આરોગ્ય અને અવસાન સમયે મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો છે. ક્લબના સભ્યોના પરિવારોને જૂથ વીમા/આરોગ્ય પૉલિસી દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે તેમજ જ્યારે ક્લબ સિવાયના સભ્યો કે જેમની મહત્તમ વય 50 વર્ષ સુધીની હશે તેમને આકસ્મિક અવસાનના કિસ્સામાં 1 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.


કલબના સભ્ય નહીં હોય તેવા પત્રકારોને પણ અપાશે લાભઃ
ગુજરાત રાજ્યની માન્ય કરેલ પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ (ઓનલાઈન) મીડિયા સાથે પત્રકાર તરીકે કામ કરતા બિન-ક્લબના સભ્યો ઉપરાંત ગુજરાતમાં નોંધાયેલ મીડિયા સંસ્થા/એન્ટિટી ધરાવતા મીડિયા સાહસિકોને આ ફંડ હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત મીડિયા ક્લબના સભ્યો અને તેમના પરિવાર પર આવી પડેલ અણધારી આફતમાં આ ફંડ મદદરૂપ બની રહેશે. પત્રકારો અને તેમના પરિવાર માટે ગુજરાત મીડિયા ક્લબનું સમર્પણ પરસ્પર સમર્થનની ભાવનાને મજબૂત કરશે.