નવા વર્ષની ખરાબ શરૂઆત! યમરાજે બહુ ખોટું કર્યું, ગુજરાતમાં બે પરિવારોનો આપઘાત
કોને ખબર હતી કે આવી રીતે થશે નવા વર્ષની શરૂઆત. હસતા ખેલતા બે પરિવારો અચાનક દુનિયાથી ચાલ્યાં જશે. યમરાજે કેમ નવા વર્ષે આટલો આકરો નિર્ણય લીધો હશે રામ જાણે?
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત જ ખરાબ થઈ છે. 24 કલાકમાં ગુજરાતમાં 2 પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટના મોરબાની વાંકાનેર અને બોટાદના નિગાળા પાસે ઘટી છે. જેમાં 2 પરિવારો નંદવાઈ ગયા છે. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી આરંભી છે. લોકો ઉજવણીમાં વ્યસ્ત બન્યાં છે ત્યાં 2 પરિવાર ભોગ બની ગયા છે.
આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબીના વાંકાનેરમાં આવેલી ભાટિયા સોસાયટીમાં પરિવારના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. માતા મંજુલાબેન ખંડેખાએ વહેલી સવારે બે યુવાન પુત્રી સેજલ અને અંજુનો સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 11 મહિના પહેલાં પુત્રીએ આપઘાત કર્યાના દુઃખમાં પરિવારે સામૂહિક આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વાંકાનેર શહેર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ આ ઘટના બહાર આવતાં હડકંપ મચી ગયો છે.
બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર એક મોટી ઘટના બની છે. બોટાદના નિગાળા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષો નિગાળા રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 22થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે. જેઓએ ભાવનગરથી ગાંધીગ્રામ 09216 ટ્રેનમાં આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. આ મામલે તપાસ ચાલે છે કે 31મી ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એટલે નવા વર્ષના પ્રથમ દિવસે પણ 3 વ્યક્તિના આપઘાતની ઘટના સામે આવતાં ખળભળાટ મચ્યો છે.