ઈતિહાસમાં પહેલીવાર આ દિવસે દિકરીઓ કરશે આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન
મહિલા શશક્તિકરણની દિશામાં ગુજરાત સરકારની પહેલઃ જેવું રાજ્યના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય નથી બન્યુ એવું બનવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમ વખત ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરાશે. ગુજરાતની ૧૩૦૦થી વધુ દિકરીઓ આ કાર્યક્રમોમાં સહભાગી થશે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક દિવસ દિકરીઓ દ્વારા આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન કરવામાં આવશે. આગામી 24 જાન્યુઆરી 2024ના રોજ આ પ્રકારે અનોખી રીતે ગુજરાત વિધાનસભા ખાતે બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રયાસ થકી દિકરીઓમાં રહેલો ડર દૂર થશે. દિકરીઓ પણ સત્તામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તેઓ તેમને અહેસાસ થશે. સાથે જ દિકરીઓ પણ રાજનીતિમાં આવીને સમાજને પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકશે. આ પ્રકારે વિધાનસભા ખાતે કરાયેલી બાલિકા દિવસની ઉજવણીથી દિકરીઓને જીવનમાં અનેક પ્રેરણાઓ મળશે.
દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ તા. ૨૪ જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ' નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે ૨૪ જાન્યુઆરીએ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ તેજસ્વિની વિધાનસભા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ વખત ૨૪ જાન્યુઆરીએ ૧ કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે. પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની ૧૩૦૦થી વધુ દિકરીઓ સહભાગી થશે. આ દિવસે તેજસ્વિની વિધાનસભા ઉપરાંત જિલ્લા સ્તરે તેજસ્વિની પંચાયત યોજાશે જેમાં દિકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે. આજ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દિકરીઓ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.