Gujarat Farmers: ખેડૂતો માટે આ સમાચાર એક ખુશીની લહેર લઈને આવ્યાં છે. એમાંય ખાસ કરીને કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ગુજરાતના સેકડો ખેડૂતોની સ્થિતિ બદલાઈ જશે. વર્ષ 2023માં ભારત સરકારે એક નિર્ણય લીધો હતો જેને ખેડૂતોના હિતને ધ્યાને લઈને નવા વર્ષની શરૂઆતમાં જ એટલેકે, 2024માં કેન્દ્રએ પરત લઈ લીધો છે. અહીં વાત થઈ રહી છે ડુંગળીની નિકાસની. સરકારના એક નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને ઘી-કેળાં થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મોટી રાહત મળી છે. ડુંગળીની વિદેશોમાં નિકાસને લઈને કેન્દ્રએ એક વર્ષ અગાઉ રોક લગાવી હતી. હાલ કેન્દ્રએ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ભારત સહિત વૈશ્વિક બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જેને પગલે ભારત સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર ત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 


હાલ સરકારે લીધેલા નિયમાનુસાર 3 મેટ્રિક ટન સુધી ડુંગળીની નિકાસ કરી શકાશે. 2023માં ડુંગળીના ભાવ વધતા તેની નિકાસ પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી હતી. ગૃહમંત્રી અમિત શાહે મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. મહત્ત્વનું છેકે, બાંગ્લાદેશમાં 50 હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરાશે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને આ પ્રતિબંધની ડેડલાઈન 31 માર્ચ 2024 સુધીની હતી. જો કે સરકારે ડેડલાઈન પહેલા જ પ્રતિબંધ હટાવી લીધો છે.


બે મહિના પહેલાં કરાયો હતો ચક્કાજામઃ
ઉલ્લેખનીય છેકે, આ મુદ્દે બે મહિના પહેલાં પણ ભારે ચક્કાજામ કરાયો હતો. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા અને ખેડૂતો પાયમાલ થયા હતા ત્યારે ગોંડલ અને મહુવામાં ખેડૂતોએ નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હતા. એક બાજુ સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો હતો. ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી. આજે ડુંગળીની હરાજી ફરી શરૂ થતાં ભાવ ગગડી ગયા છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતાં ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના આ વિસ્તારને ખેડૂતોને થઈ હતી માઠી અસરઃ
નિકાસબંધીના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની હતી અને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને અમરેલી, તળાજા, મહુવા અને ભાવનગરના ખેડૂતોને નિકાસબંધીને કારણે મરણતોલ ફટકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.


કોંગ્રેસે નિર્ણયને ગણાવ્યો દેખાડા સમાનઃ
જો કે કોંગ્રેસે આ નિર્ણયને દેખાડા સમાન ગણાવતા કહ્યુ છે કે ડુંગળી પતી ગયા પછી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહી. કોંગ્રેસને આક્ષેપ છેકે, જો સરકારે આ નિર્ણય લેવો જ હતો તો સરકારે પહેલાં સમય રહેતા આ નિર્ણય લેવાની જરૂર હતી. હવે ડુંગળી પકડવતા ખેડૂતોને આ નિર્ણયથી કોઈ લાભ થવાનો નથી.


જો કે સવાલ એ પણ થાય કે સરકારે ડેડલાઈન પહેલા નિકાસ પરનો પ્રતિબંધ શા માટે હટાવી લીધો. જેના પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોમાં ડુંગળીનો પૂરતો સ્ટોક છે અને એટલે જ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.