ઝી બ્યૂરો, અમદાવાદઃ એક બાજુ હાલ ઓપરેશન લોટ્સ અંતર્ગત લોકસભા પહેલાં ભાજપ ભરતી કરી રહ્યું છે. કમલમમાં વિવિધ પક્ષના આગેવાનો મળવા આવતા હોય છે. ત્યારે બીજી બાજુ ભાજપના જ એક પૂર્વ મંત્રી ભાજપથી ભયંકર નારાજ છે. આ મંત્રી પર સૌ કોઈની નજર છે, તેઓ નવાજૂનીની તૈયારીમાં જ છે. એક તરફ, કોંગ્રેસના અસંતુષ્ટોને કેસરિયો ખેસ ધારણ કરાવીને કમલમમાં ભરતી થઈ રહી છે તો બીજી તરફ, ભાજપમાં જ આંતરિક ડખા વધ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છેકે, ભાજપ અસંતુષ્ટો સામે પગલાં ન લેવાતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પક્ષ જ નહીં, સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરી દીધો છે. માણાવદરની બેઠક પરથી સતત ચૂંટાતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા ભાજપથી ખફા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાને હરાવવામાં  ભાજપના જ સ્થાનિક અસંતુષ્ટોએ અહમ ભુમિકા ભજવી હતી. આ કારણોસર જવાહર ચાવડાને ૩૫૦૦ મતોથી હાર થઇ હતી.


આજકાલ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા ભાજપથી નારાજ છે. છેલ્લા કેટલાંય વખતથી નારાજ ચાવડાએ પક્ષના જ નહી, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણી અગાઉ કઈક નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણકે, તેઓ વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ સત્તાનો સ્વાદ ચાખવા અને મંત્રી પદ મેળવવા માટે ભાજપમાં આવ્યાં હતાં. ભાજપમાં આવ્યાં બાદ શરત અનુસાર તેમને મંત્રી પદ પણ અપાયું, જોકે, લાંબો સમય સુધી એ સુખ ભોગવવા ન મળ્યું, ભાજપે જ પોતાની સરકાર ને ઉથલાવી દીધી અને નો રિપીટ થિયેરીથી બધાને ઘરભેગા કરી દીધાં.


સૂત્રોના મતે, માણાવદર મત વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કયા સ્થાનિક નેતાઓએ પક્ષવિરોધી કામ કર્યુ હતું તે અંગે વિગતવાર માહિતી સાથે જવાહર ચાવડાએ પક્ષપ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી. પણ આ વાતને એક વર્ષ કરતાં વધુ સમય વિત્યો છે. હજુ સુધી પક્ષ વિરોધીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. એક તરફ, પક્ષપલટુઓ માટે કમલમમાં લાલજાજમ બિછાવવામાં આવી છે જયારે બીજી તરફ, પક્ષવિરોધીઓની પણ આળપંપાળ કરવામાં આવી છે. ભાજપની આ નીતિ સામે જવાહર ચાવડા ભારોભાર નારાજ છે. આ જોતાં જવાહર ચાવડાએ ભાજપના તમામ કાર્યક્રમમાં જવાનુ બંધ કર્યુ છે. આ ઉપરાંત માણાવદર મત વિસ્તારમાં આયોજીત સરકારી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય તરીકે હાજરી આપવાનું ટાળ્યુ છે. એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. અને આગ હોય તો જ ધુમાડો ઉઠે એ વાત પણ એટલી જ સાચી છે.


નારાજ જવાહર ચાવડાએ અત્યારે તો ભાજપ સાથે જાણે કોઈ રાજકીય નાતો ન હોય તેવુ વલણ અપનાવ્યુ છે. શિસ્તબધ્ધ ગણાતા પક્ષમાં જ આંતરિક ડખા વધ્યા છે. એટલુ જ નહીં, પક્ષવિરોધીઓને પણ છાવરવામાં આવી રહ્યાં હોવાથી નારાજ જવાહર ચાવડા આગામી દિવસોમાં કઇક નવાજૂની કરવાના મૂડમાં છે.