ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. કુલ બેઠકો પૈકી રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ મુરતિયો શોધી રહ્યું છે. રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં મોડી રાત સુધી ભાજપનું મંથન ચાલ્યું. ચારમાંથી એક ‘સ્કાયલેબ' ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યાં છે. જોવાનું એ રહેશે કે, આજે ભાજપનું 'વેલેન્ટાઈન' કોણ બનશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે થશે ગુજરાતના રાજ્યસભાની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત. એક નામ નક્કી હોવાનું મનાય છે. આ સિવાય ગુજરાતના ત્રણ ઉમેદવારો સ્વરૂપે ચોંકાવનારા નામોની શક્યતા સેવાઈ રહી છે. હંમેશાની જેમ ભાજપ એમાંય ખાસ કરીને પીએમ મોદી અને અમિત શાહની જોડી ગુજરાત રાજ્યસભાના નામો માટે પોતાની પસંદગીથી સૌ કોઈને ચોંકાવી શકે છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે તેના પર સૌ કોઈની નજર છે. ચાર બેઠકો પૈકી એક નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. 


બાકીની ત્રણ બેઠકોમાંથી એક મહિલાના નામની ચર્ચા હોવાનું જણવાતા ભાજપના ટોચના સૂત્રોએ કહ્યું કે, તે બક્ષીપંચ સમુહની જ્ઞાતિઓમાંથી હોઈ શકે છે. જ્યારે બાકીના બે ઉમેદવારોમાંથી એક અનુસૂચિત જાતિ- SC અને ત્રીજી બેઠક માટે પાટીદાર નેતાની પસંદગી થશે. ફોર્મ ભરવા ગુરૂવાર એ છેલ્લો દિવસ હોવાથી બુધવારે તમામ ઉમેદવારોના નામો દિલ્હીથી જાહેર થશે. ૧૫મી વિધાનસભામાં ભાજપ પાસે ઐતિહાસિક બહુમતી હોવાથી આ વેળાએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની નથી. જેમની ઉમેદવારી થશે તે બિનહરીફ થઈને છ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરી શકશે. 


આ કારણોસર ભાજપનું રાષ્ટ્રીય ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ સૌથી છેલ્લે ગુજરાતની ખાલી પડેલી ચારેય બેઠકોના ઉમેદવારોની પસંદગીની પક્રિયા હાથ ધરી છે. જેમાં ચાર બેઠકો પૈકી એક બેઠક ગુજરાત બહારના કોઈ ભાજપના મોટાગજાના નેતાને ફાળવાઈ શકે છે. ગુજરાત ભાજપમાં રાજ્યસભાની ચૂંટણી માટે ચોંકાવનારા નામો જાહેર થાય તો નવાઈ નહીં. જે પણ ચૂંટાશે તેને 6 વર્ષ માટે રાજ્યસભાના સાંસદ તરીકે મોભો ભોગવવા મળશે. કદાચ તેમાંથી કોઈને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પણ મળી શકે છે.


બે-અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક બહારના રાજ્યના હોય તેવા નેતાને અપાવતુ રહ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્યસભામાં બીજી ટર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તેમા વધુ એક બિનગુજરાતીનો ઉમેરો થશે. રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી કુલ ૧૧ બેઠકો છે. રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા હવે માત્ર ૪૮ કલાકનો જ સમય બાકી રહ્યો છે. ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંગળવારની મોડી રાત સુધી નામ નક્કી કરવા બેઠક યોજી હતી. ૧૪મી ફેબ્રુઆરીને મંગળવારે 'વેલેન્ટાઈન-ડે” છે ત્યારે ભાજપનું વેલેન્ટાઈન કોણ બનશે તેના પર સૌ કોઈની નજર છે.