ગુજરાત સાથે મળીને આ મહત્ત્વના પ્રોજેક્ટને આગળ વધારશે UAE, શું લાભ થશે એ પણ જાણો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UAEના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી. ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે તેમ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યુ.એ.ઈ.ના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઈડ્રોજન ટેકનોલૉજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે તેમ છે તેમ જણાવ્યું હતું. યુ.એ.ઈ. 2017થી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ યુત થાની બિન અહેમદે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટથી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત- શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. યુએઈના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા ઈજન આપ્યુ હતુ. ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મીનીંગફુલ પાર્ટનરશીપ થઈ શકે તેમ છે એવું આ બેઠકની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સાઉદી અરેબિયાના મંત્રી સાથે આવેલા બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગોને જે સહયોગ મળ્યો છે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ અપ્રોચની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ યુએઈના વિદેશ વ્યાપાર મંત્રીને ગુજરાતની ફરીવાર વિસ્તૃત મુલાકાતે આવવાનું આમંત્રણ આપતા કહ્યું કે, રાજ્યના ટુરિઝમ સેક્ટરને પણ તમે સૌ નિહાળો તેવી અમારી અપેક્ષા છે. સાઉદી અરેબિયાના મંત્રીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુએઈના પ્રવાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, યુએઈની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે. ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને UAE અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ સૌજન્ય બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયાં હતાં.