કમૂરતાં પૂરાં અને ભાજપનો ભરતીમેળો થશે ફરી શરૂ, હવે આ નેતાઓ લાઈનમાં
Loksabha Election 2024: હવે ફરી શરુ થઈ ગયું છે ભાજપનું ઓપરેશન લોટ્સ: બની શકે કે આગામી દિવસોમાં આ ત્રણ મોટા નેતાઓ અને ધારાસભ્યો પદ પરથી રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ શકે છે. ટિકિટ ન મળતાં આ ત્રણેય ધારાસભ્યોએ ભાજપ સામે બળવો કરીને ચૂંટણી મેદાને ઉતર્યા હતાં અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં.
Loksabha Election 2024/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત ભાજપે માધવસિંહનો રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી હોવા છતાં હજુ પણ સીટો વધારવાના અભરખા પૂરા થતા નથી. લોકસભાની ચૂંટણી સાથે સાથે કેટલીક વિધાનસભા માટે પણ ચૂંટણી યોજાય તો નવાઈ નહીં. ભાજપ હવે નવો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ કરી રહી છે. એક સમયે ભાજપના સાથી પણ ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરી ભાજપને હંફાવનાર ઉમેદવારોને હવે ભાજપ પક્ષમાં જોઈન કરી ફરી ચૂંટણી લડાવવાના મૂડમાં હોવાની ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપના લાખ પ્રયાસો છતાં ના માનનારા માટે પાર્ટી હવે લાલજાજામ બિછાવવાની તૈયારીઓ કરી રહી છે. ભાજપ લોકસભામાં કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી.
એક સમયે ભાજપે આ પક્ષપલટુઓ ચૂંટણી ના લડે એ માટે પૂરતા પ્રયાસો કર્યા હતા. આમ છતાં ભાજપના આ નેતાઓએ પક્ષની અવગણના કરીને ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા. આજે ભાજપ આ ત્રણેયને ફરી પાંખે તો પણ નવાઈ નહીં. ગુજરાતમાં ચર્ચા છે કે અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, ધવલસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગમે તે ઘડીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી શકે છે. ત્રણેય અપક્ષ ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરવાની તાલાવેલી લાગી છે. રાજીનામુ ધરીને આ ત્રણેય નેતાઓ ભાજપના સિમ્બોલ પર પેટાચૂંટણી લડી શકે છે. અપક્ષ ધારાસભ્યોને ફરીથી ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે.
આ અગાઉ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને સમર્થન તો જાહેર કર્યું છે પણ પાટીલે આ ત્રણેય પક્ષ પલટુઓને ફરી ભાજપમાં નહીં લેવાય એવી કરેલી જાહેરાતને પગલે ભાજપે એમને ઓફિશિયલ પાર્ટીથી બહાર રાખ્યા હતા. આ ત્રણેય નેતાઓ ભાજપ પાર્ટીની બેઠકોમાં તો જોવા મળે છે. હવે ભાજપ બધુ જ ભૂલીને લોકસભામાં એમને પાર્ટીની ટિકિટ પર લડાવવા માગે છે.
બની શકે કે આગામી દિવસોમાં આ ત્રણેય નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ શકે છે. ટિકિટ ન મળતાં આ ત્રણેય ધારાસભ્યોએ ભાજપ સામે બળવો કરીને ચૂંટણી મેદાને ઉતર્યા હતાં અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ભાજપને પણ આશા છે કે, જો આ ત્રણેય ધારાસભ્યો પેટાચૂંટણી જીતે તો વિધાનસભામાં ભાજપનું સંખ્યા બળ વધીને ૧૫૯ થઈ શકે છે. એટલે સૌથી વધુ બેઠકોનો નવો રેકોર્ડ બની શકે છે. આમ આ ચર્ચાઓ અંગે ઓફિશિયલ કોઈ જાહેરાત થઈ નથી પણ કમૂરતાં ઉતરતાં હવે ફરી ભરતીમેળો શરૂ થાય તો નવાઈ નહીં....