ખેડૂતે એક જ આંબા પર 14 જાતની કેરી પકવી, દિવાળી સુધી કેરીઓ આપે છે આ આંબો
સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોમાં ટેલેન્ટની કમી નથી. બાગાયતી પાકોમાં સારી કમાણી થતી હોવાથી ખેડૂતોએ હવે ખેતી વધારી છે. ધારીના દીતલા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં એક જ આંબાના વૃક્ષમાં અલગ-અલગ પાંચ કલમો ચડાવતા આજે આંબાનું વૃક્ષ એક નહીં પરંતુ ૧૪ પ્રકારની કેરીઓ આપી રહ્યું છે. આ આંબા પર માત્ર ઉનાળાની સિઝનમાં નહીં પણ દિવાળી સુધી કેરીઓ આવે છે.
આ આંબો એ ધારી તાલુકાના દીતલા ગામમાં છે. ર0 વિધાની ખેતી ધરાવતા ઉકાભાઈ ભટ્ટી આમ તો ઉકાભાઈ ભટ્ટી એક પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા અમરેલી જિલ્લામાં પ્રખ્યાત છે. પોતાનું વાડીમાં પ વિધામાં ઉકાભાઈ ભટ્ટીએ આંબાનો બગીચો ઉભો કર્યો છે. જેઓ 70 વર્ષના છે. જેઓએ એક આંબાના વૃક્ષ પર અલગ - અલગ કલમો ચડાવીને એક જાદુઈ આંબો તૈયાર કર્યો છે. આ 14 પ્રકારની કેરીઓના નામ પણ આપે સાંભળ્યા નહી હોય તેવી અલગ અલગ જાતની કેરીઓ આંબાના વૃક્ષ પર દર સિઝને લટકે છે.
સાદા આંબાના દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નીલ ફાગુન, સુંદરી, બનારસી લંગડો, કેસર, દાડમીયો, ગુલાબીયો, કનોજીયો, દૂધપેડો અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે. ઉકાભાઈએ મહારાષ્ટ્રમાં ગયેલા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યો ને તે પોતાના દીતલા ગામની વાડીમાં સાર્થક સાબિત કર્યો હતો. મહારાષ્ટ્રમાં પાકતી કેરીઓ ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલામાં પકવે છે. એક જ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ-અલગ ભાતની અલગ-અલગ સ્વાદની કેરીઓનું ઉત્પાદન એ અદ્ભુત છે.