મુસ્લિમ વિદ્યાર્થીનીનું ગજબનુ ટેલેન્ટ, ભાગવત ગીતાના જવાબો આપીને બની સ્પર્ધાની વિનર
- ભાગવત ગીતાની નેશનલ કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં દેશમાં પ્રથમક્રમ મેળવનાર ખુશ્બુ અબ્દુલ મહેબુબ ખાન
- ઉમરગામની ધો.7ની વિદ્યાર્થીનીએ ગીતાના 428 ક્વિઝ સમુહના સાચા જવાબો આપ્યા
નિલેશ જોશી/ઉમરગામ :મુસ્લિમ સમુદાયમાં કુરાન પવિત્ર ગંથ્ર ગણાય છે. મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજ કુરાનનુ પઠન કરવામાં આવે છે. આવામા મુસ્લિમ યુવતીએ હિન્દુઓના પવિત્ર ગ્રંથ ભાગવત ગીતાનુ પઠન કરીને બતાવ્યુ છે. ઉમરગામની માત્ર 14 વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીનીએ ભાગવત ગીતાની નેશનલ કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઇ દેશમાં પ્રથમક્રમ મેળવ્યો છે.
ગીતાના તમામ અધ્યાયનુ જ્ઞાન રાખવુ એ મુશ્કેલ છે. પણ 14 વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીની તે કડકડાટ કરી લે છે. ઉમરગામની આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યા શાળામાં ધો.7 માં ભણતી ખુશ્બુ અબ્દુલ મહેબુબ ખાન તેમાં માહેર છે. તે ગીતા ક્વિઝની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે, અને તેમાં જીતી ચૂકી છે. અગાઉ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી (સ્વામી વિવેકાનંદ જયંતિ) અંતર્ગત આયોજિત સ્વામી વિવેકાનંદ ક્વિઝ મહાઅભિયાનમાં પણ ખુશ્બુ ખાનને 1600થી વધુ ક્વિઝ આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખુશ્બુ ખાને ગીતા પર 428 ક્વિઝના સાચા જવાબો આપી દેશમાં પ્રથમક્રમ મેળવ્યો છે.
ગીતાના ક્વિઝ માટે ખુશ્બુ ખાને સ્પર્ધા પહેલા આકરી મહેનત કરી હતી. ખુશ્બુની આ મહેનત માટે તેના પરિવાર અને શાળાના શિક્ષકોએ પણ એટલી જ મહેનત કરી છે. તેની માતા મોબાઈલમાં વધુ રિચાર્જ કરાવીને તેને ક્વિઝ માટે તૈયાર કરતી હતી.