ઝી બ્યૂરો, અમદાવાદઃ PM-MITRA યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ આ પ્રોજેક્ટનું જાતે હેન્ડલિંગ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે આ પ્રજેક્ટ હેઠળની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બાબતે સર્વે અને વેપારની તકની સોધ માટે સર્વે સહિતની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતું છે. ત્યારે એક જ સ્થળે કાપડના દોરાથી લઈ કાપડ બનાવવવા સુધીની કામગીરી થઈ શકે અને સુવિધાઓ વધે તે માટે ટેક્સટાઈલ પાર્ક બની રહ્યો છે. જેનાથી ઉત્પાદકોને બજાર અને સપોર્ટ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


નવસારી જિલ્લા કલેક્ટરની ટીમ વાસી બોરસી ગામમાં આ પ્રોજેક્ટ આકાર પામે તેવા પ્રયાસ દેખાઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે જમીન અને સંભવિત વેપાર તકોને જાણવા અને સમજવા માટે કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રાલયની ટીમ, સુરતના ટેક્સટાઈલ ક્ષેત્રની ટીમ અને નવસારી જિલ્લા કલેક્ટરે વાસી બોરસી ગામની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સર્વે સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 


જૂન મહિનામાં પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટની લ્હાણીમાં નવસારીના ટેક્સટાઈલ પાર્કનું નામ પણ હોય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. જૂન મહિનામાં પ્રધાનમંત્રી મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ટેક્સટાઈલ પાર્કની જાહેરાત કરી શકે છે. આ પ્રોજેક્ટ રોજગારી અને સ્થાનિક વિસ્તારના વિકાસની પણ ઘણી તક ઉભી કરશે.