ઝી બ્યૂરો, અમદાવાદઃ કન્યાદાન જ્વેલર્સમાં વર્ષ ૨૦૨૧માં અપહરણના એક કેસમાં ઘટના સ્થળે હાજર ત્રણ પૈકી બે પોલીસ કર્મચારીઓની કથિત ગુનામાં સંડોવણી હોવા છતાંય તેમને FIRમાં સામેલ નહીં કરવાનો ચોકાવનારો મામલો હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. જેમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈએ રાજ્ય સરકારને વેધક સવાલ કર્યો હતો કે, 'શા માટે પોલીસ વિભાગની વ્યક્તિઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને તેમને FIRમાં આરોપી તરીકે કેમ દર્શાવાતા નથી?' હાઈકોર્ટે આ મામલે અમદાવાદ રૂરલના એસ.પી.ને આદેશ કર્યો છે, કે તેઓ વ્યક્તિગત સ્તરે સોગંદનામું કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરે. કેસની વધુ સુનાવણી ૧૮મી જૂને રાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પોલીસ વિભાગ અસહાય છે?
હાઇકોર્ટે આદેશમાં એવું માર્મિક અવલોકન પણ કર્યું છે કે, શા માટે બંને પોલીસ કર્મચારીઓને ફરિયાદમાં સામેલ કરાયા નથી? શું પોલીસ વિભાગ અસહાય છે કે પછી બંને કર્મચારીઓ એટલા વગદાર છે કે તેમને ફરિયાદમાં આરોપી તરીકે પોલીસ વિભાગ લઇ શકતી નથી?


આ કેસમાં અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને યોગ્ય આદેશ કરવાની દાદ માંગવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે, 'હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ હરિયાદ નોંધાઈ હતી અને આજ સુધી ચાર્જશીટ કરવામાં આવી નથી. ત્રણ પોલીસ કર્મચારીઓ ગુનામાં સામેલ હતા તેમ છતાંય બેનું નામ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યું નથી.


2 સપ્ટેમ્બર 2021માં કન્યાદાન જવેલર્સ પરના અપહરણ દરમિયાન હિતેશ ગોસ્વામી અને સુરેશ માળી નામના બે પોલીસ કર્મચારી હાજર હતા અને એ ગુના સમયના સીસીટીવી ફુટેજ પણ છે. તેમ છતાંય તેમને એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવ્યા નથી. જે અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, પ્રથમદર્શીય રીતે એવું જણાય છે સમગ્ર હકીક્ત પોલીસ વિભાગ સમક્ષ આવી હોવા છતાંય પોલીસ દ્વારા કેઝ્યુઅલ વલણ અપનાવવામાં આવ્યું છે.


સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમદાવાદ (રૂરલ)ને આદેશ કરાયો છે કે, આ મામલે જે બે પોલીસ કર્મચારી વિરુદ્ધ આક્ષેપો છે તે મામલે સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવે. અરજદારના અપહરણની ઘટના CCTVમાં ઘટના કેદ થઈ અને પોલીસની સંડોવણી હોવા છતાંય તેમને ફરિયાદમાં કેમ સંડોવી લેવાયા નથી. તે અંગે ૧૮મી જૂન સુધીમાં એસ.પી. સોગંદનામું કરે.'