ભાજપને કેમ કડવા લાગવા લાગ્યા નીતિનકાકા? હંમેશા પાર્ટીએ આ પાટીદાર નેતાને કેમ કહ્યું, NO..NO..NO..
Nitin Patel: ગુજરાતમાંથી લોકસભાની પહેલી યાદીમાં નામ ન આવતા શું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માઠું લાગ્યું છે? શું ફરી એકવાર નારાજ થયા છે નીતિનભાઈ? જાણો કેમ આ તેમણે પરત ખેંચી પોતાની દાવેદારી. 3 દાયકા કરતા વધુ સમય સરકાર અને સંગઠનમાં મોટા પદો પર રહેનાર આ દિગ્ગજ પાટીદાર નેતાનું હવે શું થશે?
Lok Sabha Election 2024: ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનુ (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. જોકે, લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના હાઈકમાન્ડે જાહેર કરેલી પહેલી યાદીમાં ગુજરાતના નામોમાં નીતિન પટેલનું નામ ન આવતા રાજકારણ ગરમાયું હતું. પહેલી યાદીમાં નામ ન જોઈને જ નીતિનભાઈ સમજી ગયા હશે કે હવે પાર્ટી એમને બહુ આગળ લઈ જવા માંગતી નથી. યાદી આવતાની સાથે જ નીતિન પટેલ તરફથી એક ચીઠ્ઠી પણ આવી ગઈ કે તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી. આ ચીઠ્ઠી તેમણે પોતે લખી હશે કે પછી પાર્ટીમાંથી તેમની પાસે લગાવી હશે એ સવાલ ચર્ચાનો વિષય છે. પણ હાલ પુરતી એ વાત તો નક્કી જ છેકે, ગુજરાતના રાજકારણમાં જે પાટીદાર નેતાનો લગભગ 3 દાયકા સુધી દબદબો રહ્યો એ નેતા હવે હાંસિયામાં ધકેલાઈ જશે.
ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ 22 જૂન, 1956ના રોજ મહેસાણાના વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા 65 વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું 30 વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ મુકાય તો નવાઈ નહીં.
પહેલા લિસ્ટમાં નામ ન આવતા નીતિન પટેલને માઠું લાગ્યું?
મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી કરી પછી દાવેદારી પરત ખેંચવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું હતુ કે, ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટમાં જાહેર કરાયું જેમાં 15 નામો ગુજરાતની બેઠકના છે જ્યારે અન્ય બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું બાકી છે. તેમણે ઉમેર્યું કે, 30થી વધુ ઉમેદવારોએ મહેસાણાથી દાવેદારો નોંધાવી છે. મહેસાણા બેઠક હજુ સુધી જાહેર ના થઈ એટલે મને વિચાર આવ્યો કે, મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિલબના થઈ છે. આ બધી વિલબનાથી મને દૂર કરવા મે ઉમેદવારી પરત ખેંચી છે. વધુમાં કહ્યું કે, જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે માટે મેં આ નિર્ણય લીધો છે. મારા શુભેચ્છકોને કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપેલો હતો. મારા નામની દરખાસ્ત પણ કરવામાં આવેલી હતી. પરંતુ આટલા બધા નામ જોતા મને થયું કે મારે મારું નામ પરત ખેંચવું જોઈએ.
લોકસભાની દાવેદરી પરત ખેંચતી વખતે PM મોદી માટે નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે જણાવ્યુંકે, રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને મહેસાણા લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચું છું. માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું.
એ પાટીદાર નેતા જે ત્રણ વાર મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયાઃ
એ પાટીદાર નેતા જેઓ ત્રણવાર મુખ્યમંત્રી બનતા રહી ગયા તેવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ હતી. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દિલ્લીની ગાદી પર બિરાજમાન થયા એ સમયે પણ નીતિન પટેલ એક મોટા પદના દાવેદાર હતાં. જોકે, ત્યારે આનંદીબેન પટેલ તેમના સીનિયર હોવાથી પાર્ટીએ એમને સીએમ બનાવ્યાં. ત્યાર બાદ પાટીદાર આંદોલનને કારણે આનંદીબેનને મુખ્યમંત્રીનું પદ અધવચ્ચેથી છોડવું પડ્યું. એ વખતે પણ નીતિન પટેલ સીએમ પદના પ્રમુખ દાવેદાર માનવામાં આવતા હતાં. ત્યારે લગભગ બધાએ માની લીધું હતું કે, નીતિન પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી બનશે પણ અચાનક વિજય રૂપાણીના માથે સાફો બાંધી દેવામાં આવ્યો અને વિરોધના વંટોળને શાંત કરવા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવાયા. વિજય રૂપાણીની આખી સરકારને નો બરખાસ્ત કરીને મોદીએ માસ્ટર સ્ટ્રોક રમ્યો. એ સમયે પણ રૂપાણી બાદ નીતિન પટેલને પાટીદાર નેતા તરીકે પક્ષ મોકે આપીને મોટી જવાબદારી સોંપશે એવું લાગતું હતું. પરંતુ ત્યારે પણ ભાજપે તેમને વિધાનસભાથી જ દૂર રાખ્યા અને સીએમ તરીકે નવા પાટીદાર ચહેરા ભૂપેન્દ્ર પટેલને મોકો આપ્યો. આમ ત્રણ ત્રણ વાર ગુજરાત જેવા સમુદ્ધ રાજ્યમાં મુખ્યમંત્રી પદનો લાડવો નીતિન પટેલના હાથમાં આવીને જતો રહ્યો.
હાઈકમાન્ડની આંખે ચઢ્યા એટલી ગયા સમજો!
પહેલાં જ્યારે નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં હતુ ત્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાતા એ વખતે પણ આ પાટીદાર નેતાની નારાજગી દેખાઈ હતી. ત્યાર બાદ જ્યારે રૂપાણી સરકારમાં ખાતાઓની ફાળવણી કરાઈ એ વખતે નીતિન પટેલ પાસેથી નાણા ખાતુ લઈને સૌરભ પટેલને આપી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોતાનું ખાતુ છીનવાઈ ગયું હોવાથી અને પોતાનું જાણે ડિમોશન થયું હોય એવી લાગણીથી નીતિન પટેલ રિસાઈ ગયા હતાં. નીતિન પટેલે તે સમયે પણ ભાજપની સામે જ એક પ્રકારે પાટીદાર પાવર બતાવીને પોતાની સ્પષ્ટ નારાજગી વક્ત કરી હતી. નીતિન પટેલનો આ બળાપો પણ એક પ્રકારે બળવો જ હતો. જેને પગલે આખરે પક્ષ દ્વારા તે સમયે ખાસ કરીને સમયની નજાકતને જોઈને નીતિન પટેલને ફરી નાણામંત્રાલય સોંપીને મામલો શાંત પાડ્યો હતો. જોકે, ત્યારથી જ નીતિન પટેલ ભાજપ હાઈકમાન્ડની આંખે ચઢી ગયા હતાં. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે. એમાં આ રીતે જો કોઈ બળપો કરવામાં આવે કે પછી કોઈ પ્રકારે બળાપો કરવામાં આવે તો પાર્ટી અને તેનું મોવડી મંડળ તે ચલાવી લેતું નથી. અહીં તો પાર્ટી અને મોવડી મંડળ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે. આ જોડીની આંખે ચઢ્યા બાદ ગયા કામથી. નીતિન પટેલનો ઘાટ પણ કંઈક એવો જ ઘડાયો છે. એજ કારણ છેકે, તેમને લોકસભાની યાદી જાહેર થતાની સાથે જ સામેથી પોતાની દાવેદારી પરત ખેંચવાનો વારો આવ્યો છે.
લોકસભાનો લાડવો પણ નીતિન પટેલને ના મળ્યો!
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતીકે, નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડ ભલે ગુજરાત વિધાનસભામાં ના લઈ જાય, પણ તેમને દિલ્લીના દરબારમાં બોલાવશે. નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણી લડાવીને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવીને તેમને યોગ્ય સન્માન આપશે. થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ પોતાના ભાષણોમાં નીતિન પટેલ વિશેની વાતમાં કહેતા જોવા મળતા હતા કે, તેઓ હિન્દી શીખી રહ્યાં છે. હિન્દીની તૈયારીઓ કરી રહ્યાં છે. મતલબ કે, અડતકરો સંકેત હતોકે, તેઓ લોકસભાના રસ્તે દિલ્લીની તૈયારી કરી રહ્યાં છે. પણ અહીં તો આ વાર્તા જ આખી ખોટી પડી. એટલે લોકસભાનો લાડવો પણ નીતિન પટેલને ના મળ્યો. આમ નીતિન પટેલ ગુજરાતના એક એવા દિગ્ગજ પાટીદાર નેતા બનીને રહી જશે જેમને દરેક વખતે ભાજપ તરફથી કહેવામાં આવ્યું...NO...NO...NO...