Lok Sabha 2024: ગુજરાતની કઈ-કઈ બેઠકો પર કોકડું ગૂંચવાયું? ભાજપ હાઈકમાન્ડ આપશે મોકો?
BJP Candidate: લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપમાં પણ ભારે માથાપચ્ચી ચાલી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં બીજી યાદીમાં કોને સામેલ કરવા, કોને આવખતે મોકો આપવો, રિપીટ કરવા કે નોરિપીટની થિયેરી પર કામ કરવું આ તમામ સવાલો પર હાલ મંથન ચાલી રહ્યું છે. ત્યારે જાણો કઈ-કઈ બેઠકો પર ગૂંચવાયેલું છે કોકડું.
Lok Sabha 2024: ભાજપ હાલ દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરી રહી છે. એવામાં આ પાર્ટીમાં આટલા બધા કાર્યકરો અને નેતાઓને સાચવવા એ પણ એટલું જ અઘરું કામ છે. નગરપાલિકા, મનપાની ચૂંટણીઓમાં પણ ટિકિટ માટે જ્યાં ખેંચતાણ જોવા મળતી હોય એવામાં આતો લોકસભાનો લાડવો ખાવાન છે એમાં કોઈ પાછું પડે ખરાં. લોકસભા માટે ભાજપે પહેલી યાદી તો જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતમાંથી કેટલાંકના પત્તા કપાઈ પણ ગયા છે. હવે બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. ત્યારે એ જાણવા જેવું છેકે, કઈ કઈ બેઠકો પર ગૂંચવાયું છે કોકડું? હવે મોવડી મંડળ કોના પર ઢોળી શકે છે પસંદગીનો કળશ એ પણ મોટો સવાલ છે.
કઈ-કઈ બેઠકો પર છે સૌ કોઈની નજરઃ
ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે અનેક મૂરતિયાઓ થનગની રહ્યાં છે. એવામાં પીએમ મોદી અને અમિત શાહની જોડી કોને મોકો આપશે તેના પર સૌ કોઈની નજર છે. ખાસ કરીને ગુજરાત ભાજપની લોકસભાની અમુક બેઠકો સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જેને એક પ્રકારે ભાજપનો ગઢ પણ ગણવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની મહેસાણા, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, ભાવનગરમાં મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલી રહી હોવાની ચર્ચા છે.
હાલ ગુજરાત ભાજપમાં લોકસભાની કુલ ૧૧ બેઠકોનું કોકડું ગૂંચવાયેલું છે. એવી પણ વાત ચર્ચામાં છેકે, આ બેઠકોના મંથન માટે સીએમ અને પાર્ટી પ્રમુખ પાટિલને ફરી દિલ્હીના દરબારમાં હાજરી આપવા જવું પડી શકે છે. ઉલ્લેખનીય છેકે, લોકસભાની ચૂંટણીના મૂરતિયાઓ નક્કી કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર બે સપ્તાહમાં ચાર વખત અમદાવાદથી દિલ્હીની વચ્ચે અપડાઉન કરી ચૂક્યા છે. સોમવારની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ જે. પી.નડ્ડાની અધ્યક્ષતામાં દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ૨૬માંથી બાકી રહેલા ૧૧ બેઠકોના ઉમેદવારો આખરી થઈ શક્યા નથી. આથી, આગામી દિવસોમાં પ્રદેશના મોવડીઓને ફરીથી દિલ્હી જવું પડે તો નવાઈ નહી.
ભાજપ ગુજરાત લોકસભાના 26 માંથી 15 નામો કરી ચુક્યુ છે જાહેરઃ
બીજી માર્ચે ભાજપે ગુજરાતમાં ૨૬ પૈકી ૧૫ લોકસભા મતક્ષેત્રો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. જેમાં બે મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. હવે બાકી રહેલા ૧૧ બેઠકોમાંથી અડધોઅડધ મતક્ષેત્રો માટે મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલી રહ્યાનું જાણવા મળ્યુ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અને અમદાવાદ પૂર્વ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર કે ભાવનગર, મધ્ય ગુજરાતમાં વડોદરા કે છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ કે સુરત એમ ચારેય ઝોનમાં ભાજપ હાઈકમાન્ડે ચાર કે પાંચ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવા મન બનાવ્યુ છે. આથી, બાકી રહેલી ૧૧ મતક્ષેત્રો માટે યોગ્ય ઉમેદવારોના નામો હજી સુધી નક્કી થયા નથી. તેવી ચર્ચા ભાજપમાં છે.
ગુજરાતમાં આવખતે ભાજપે કોને-કોને આપ્યો છે મોકો?
ગુજરાતની બેઠકોની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠકો પૈકી 15 બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની જે બેઠકોની જાહેરાત કરવામાં આવી છે તેમા ગાંધીનગરથી અમિત શાહ, જામનગરથી પૂનમ માડમ, ભરૂચથી મનસુખ વસાવા, નવસારીથી સી.આર.પાટીલ, પોરબંદરથી મનસુખ માંડવિયા, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલ જાદવ, પાટણથી ભરતસિંહ ડાભી, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવાના નામોનો સમાવેશ થાય છે.
ભાજપની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારો થયા હતા જાહેરઃ
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમા 195 જેટલા ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. જેમા પીએમ મોદી, રાજનાથસિંહ, અમિત શાહ સહિતના દિગ્ગજોના નામ સામેલ છે. 34કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. જેમા 28 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અસમની 14 પૈકી 11 સીટોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની 5 સીટો જાહેર કરવામાં આવી છે. જમ્મુકાશ્મીર 2, ગોવા 1 ત્રિપુરા 1, અંદામાન નિકોબાર 1, દીવ અને દમણ 1ની 1 બેઠક જાહેર કરવામાં આવી છે.